www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આકરા ઉનાળામાં દબાણ હટાવની જેમ અખાદ્ય-વાસી ફૂડના નાશ માટે પણ ડ્રાઇવની જરૂર : એક વર્ષમાં 36 હજાર કિલો સડેલો માલ મળ્યો


સડેલા નમકીનના કારખાનાઓને પ્રથમ વખત સીલ મરાયા : વર્ષમાં 33ર સેમ્પલ પૈકી 27 ફેઇલ : 53 નમુનાના રીપોર્ટની હજુ રાહ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 25

રાજકોટ શહેરમાં છેલ્લા વર્ષમાં હલકી કક્ષાના નમકીન, મીઠાઇ, પપૈયા, ઘી સહિતના ખાણીપીણીના એકમો પડકાયાની વિક્રમી કામગીરી થઇ છે. ફૂડ શાખાએ દુકાનોથી માંડી માર્કેટીંગ યાર્ડમાં દરોડા પાડીને લોકોના આરોગ્યને હાનિ કરે એવો ટનબંધ માલ પકડીને નાશ કર્યો છે. હવે આ વર્ષે ઉનાળામાં આટલા વર્ષોની વિક્રમી ગરમી પડી છે ત્યારે જે રીતે રસ્તા પરથી દબાણો હટાવવા કોર્પો. તંત્ર રોજ કામ કરી રહ્યું છે ત્યારે ગરમ દિવસોમાં ખાણીપીણીની તમામ બજાર, દુકાનો,  હોટલ, રેસ્ટોરન્ટમાં પણ મોટી ડ્રાઇવ ચલાવવાની જરૂર હોવાનો મત છે. 

બીજી તરફ નવા ભળેલા સહિતના મહાનગરના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં લેવાયેલા ખાણીપીણીના 33ર નમુના  પૈકી ર6 સેમ્પલ ફેઇલ થયા છે તો એક માત્ર વડોદરાની ફૂડ લેબોરેટરીમાં ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ થતું હોય, થોડા સમય પહેલાના અને મહિનાઓ જુના 33 સેમ્પલના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. રીપોર્ટ આવતા પહેલા ફરી સેંકડો કિલો માલનું વેંચાણ થતું હોય, લોકોના આરોગ્ય પર જોખમ રહે છે. આથી જ હવે આવા ઉત્પાદન કેન્દ્રોને સીલ મારવાની કડક કાર્યવાહી મનપાએ શરૂ કરી છે. 

આરોગ્ય વિભાગમાંથી મળેલી વિગત મુજબ છેલ્લા એક વર્ષમાં ફૂડ વિભાગ દ્વારા જુદી જુદી કેટેગરીમાં રર1પ રજીસ્ટ્રેશન અને 1164 ફૂડ લાયસન્સની કામગીરી કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 33ર સેમ્પલ લેવાતા તે પૈકી ર6 નમુના ફેઇલ અને એક અનસેફ જાહેર થયેલ છે. એટલે કે કુલ નમુનામાંથી બાકીના 252 સેમ્પલ પાસ પણ થયા છે. આમ છતાં રીપોર્ટની ધીમી કામગીરીના કારણે હજુ પ3 રીપોર્ટ આવ્યા નથી. 

મનપાએ ફૂડ એકટ હેઠળ રર કેસ દાખલ કર્યા છે અને તેમાં 19.રપ લાખનો દંડ થયો છે. આ વર્ષમાં અધધધ 35965 કિલો વાસી અને અખાદ્ય માલનો નાશ કરવામાં આવ્યો છે. તો અવારનવાર ચાલતી ડ્રાઇવમાં 1309 જગ્યાએ લાયસન્સ લેવા નોટીસ અપાઇ છે. આરોગ્ય વિભાગને એક વર્ષમાં ર87 ફરિયાદો મળી હતી. 

એક વર્ષમાં સેફટી વાન સાથે કોર્પો.એ 3728 ખાદ્ય વસ્તુઓનું ટેસ્ટીંગ કર્યુ હતું અને કાયદાની જાણકારી આપતી અવેરનેસ ડ્રાઇવ પણ ચલાવી હતી. આમ છતાં બજારમાં હજુ વાસી અને અખાદ્ય તથા ઉનાળામાં લોકોને બિમાર પાડે એવા પદાર્થો વેંચાતા હોય, વિદેશમાં તો જે કાયદાનો આકરો અમલ થાય છે તે ફૂડ એકટ હેઠળ રાજકોટમાં પણ આકરી કાર્યવાહી કરવાની જરૂર હોવાનો મત છે. 

Print