www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના ભરતનગર નજીક અન્ય વાહન સાથે રીક્ષા અથડાતાં ઇજા પામેલ આધેડ સારવારમાં


સાંજ સમાચાર

(જિગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 1
મોરબીના જેતપર ગામે રહેતા આધેડ રીક્ષા લઈને મોરબીના ભરતનગરથી લક્ષ્મીનગર ગામ વચ્ચેના રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે કોઈ અન્ય વાહન સાથે રીક્ષા અથડાતાં અકસ્માત થયો હતો જેમાં તેઓને પગમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા નાનજીભાઈ અવચરભાઈ પરમાર (49) નામના આધેડ મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભારતનગર અને લક્ષ્મીનગર ગામ વચ્ચેથી રીક્ષા લઈને જતા હતા ત્યારે કોઈ અન્ય વાહન સાથે રીક્ષા અથડાતા તેઓને ડાબા પગના ભાગે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ એમ.એલ. બારૈયાએ કરી હતી.

યુવાન સારવારમાં
ધાંગધ્રામાં જોડાસર તળાવની સામે રહેતા રફીકભાઈ બાબાભાઈ રાજા (29) નામનો યુવાન ઘરેથી કારખાને બાઈક લઈને જતો હતો ત્યારે હળવદ રોડ ઉપર ધાંગધ્રાની શ્રીજી હોટલ પાસે તેનું બાઈક સ્લીપ થયું હતું અને યુવાનને ઇજા થવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ ધાંગધ્રા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે

વૃદ્ધા સારવારમાં
હળવદ નજીક આવેલ ખેતરડી ગામે રહેતા સાકુબેન હમીરભાઈ કોળી (58) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને ખેતરડીથી નાડધરી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક આડે કૂતરું ઉતરતા તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા અને તેઓને થાપાના ભાગે ફેક્ચર જેવી ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી જંતુ કરડી ગયું
મોરબીમાં રવાપર ગામ નજીક આવેલ રવાપર રેસીડેન્સીની પાછળના ભાગમાં મંગલ વોટર સપ્લાય ખાતે રહેતા અને મજૂરી કામ કરતા વિકાસ ભાવસિંહ વાણીયા (32) નામના યુવાનને રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ જીવજંતુ કરડી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા પ્રવીણભાઈ અવચરભાઈ રાઠોડ નામના 26 વર્ષના યુવાનને 108 વડે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના હિતેશભાઈ મકવાણા દ્વારા મારામારીના આ બનાવની નોંધ કરીને કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

Print