www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરમાં નવ વર્ષનાં બાળકનો ગળાફાંસો ખાઇ આપઘાત


સાયકલ ચલાવવાના મુદ્દે માતાએ ઠપકો આપતા અંતિમ પગલુ ભરી લેતા કરૂણાંતિકા: અનેક રહસ્યોના તાણાવાણા: હાલારમાં ભારે ચકચારી

સાંજ સમાચાર

જામનગર, તા.26
જામનગરના દરેડ વિસ્તારમાં 9 વર્ષના બાળકે આપઘાત કરી લીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક કારણમાં એવું સામે આવ્યું કે માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા બાળકે આ અંતિમ પગલું ભરી લીધું છે. જોકે આ મામલે અનેક રહસ્યોના તાણાવાળા સર્જાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરમાં માનવામાં ન આવે તેવો આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસની વિગત એવી છે કે જામનગરની ભાગોળે આવેલા દરેડમાં ફેસ 3 માં મૂળ મધ્યપ્રદેશના પૂજાબેન નામના મહિલા તેમના બાળકો સાથે અહી રહી કારખાનામાં કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પૂજાબેનની સાથે તેમની મોટી દીકરી અને 9 વર્ષના લક્કી નામનો બાળક રહેતા હતા જ્યારે પૂજાબેનના પતિ કોમલ કુમાર જાદવ મધ્યપ્રદેશમાં રહે છે. પૂજાબેનની સાથે રહેતા તેમના 9 વર્ષના બાળકે ગળેફાંસો ખાય જીવતરનો અંત આણી લેતા સમગ્ર હાલર હચમચી ઉઠ્યું છે. 

બીજી તરફ આપઘાત મામલે જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં બાળકે કયા કારણોસર આ અંતિમ પગલું ભરી લીધું તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેમની માતાએ જણાવ્યું હતું કે લક્કી નામનો પોતાનો પુત્ર અવારનવાર સાયકલ લઇને ઘરની બહાર નીકળી જતો હતો આથી માતાને સતત ચિંતા રહેતી હતી અને બાળક બપોર સુધી ઘરે ન આવતો હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે હવે તું સાયકલ હકિશ તો તારા પિતા પાસે મોકલી દઈશ અને ત્યારબાદ બાળક ઉપરની ઓરડીમાં જતો રહ્યો હતો.

ત્યારબાદ જમવાનું તૈયાર થઈ જતા તેમની માતા પૂજાબેન બાળકને જમવા માટે બોલાવવા ગયા હતા. આ દરમિયાન ઓરડીમાં દરવાજો ખોલતા જ બાળક ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેને લઈને પૂજાબેન ચોકી ઉઠ્યા હતા. પૂજાબેને રોક્કલ શરૂ કરતાં આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

જ્યાં મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બીજી બાજુ સમગ્ર ઘટનાની ઊંડી તપાસ માટે પોલીસ દ્વારા તેમના માતાના તેમજ આજુબાજુના લોકોના નિવેદનો નોંધ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મહત્વનું છે કે માત્ર 9 વર્ષના બાળકના આ પ્રકારના આપઘાતની વાત લોકોને તાત્કાલિક ગળેથી ઉતરી શકે તેમ નથી. આથી આ શંકાસ્પદ લાગતી હોવાથી હાલ પોસ્ટમોર્ટમની રાહ જોવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત પરથી પડદો ઉંચાઈ શકે તેમ છે.

આ કરૂણ ઘટના વર્ણવતા મૃતક બાળકના માતા પૂજાબેને જણાવ્યું હતું કે લક્કી વધુ સાયકલ ચલાવતો હોવાથી મેં તેને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે જો તું સાયકલ છોડીશ નહી તો તારા પિતા જે એમપીમાં રહે છે તેમની પાસે મોકલી દઈશ. ત્યારબાદ આ બાબતનું લક્કીને મનમાં લાગી આવ્યું અને ઓરડીમાં ચાલ્યો ગયો હતો. જે બપોર સુધી ન આવતા હું તેને જમવા માટે બોલાવવા ગઈ જો કે આ દરમિયાન મેં લક્કી ને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા હું અવાચક થઈ ગઈ હતી.

 

Print