www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધ્રોલમાં પોણા ઈંચ વરસાદમાં ગોઠણડૂબ પાણી ભરાયું, તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી


સાંજ સમાચાર

રાજકોટ, તા.28
ધ્રોલમાં પોણા ઈંચ વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડી છે. જોડીયા રોડ પર પશુ દવાખાને પાસે પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. તંત્રને જાણ હોવા છતાં મુક પ્રેક્ષક બનીને જોયા કરે છે અને ઢાંક પીછોડો કરે છે.

હાલમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઇ ગયું છે.હવામાન વિભાગ દ્વારા જેમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલની વાત કરવામાં આવે તો ધ્રોલમાં પોણા ઈંચ વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડી છે. ધ્રોલ થી જોડીયા તરફ જતાં માર્ગ પર થોડા જ વરસાદમાં પાણી ભરાયું છે.

જેમાં ખાસ કરીને જોડીયાના નાકાથી લઈ નગર નાકા સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહિયાં ભરાયેલા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જ કરવામાં નથી. તો હવે અહિયાં પ્રશ્ન થાય કે, હજી તો આ વરસાદની શરૂઆત છે.

જો અત્યારે જ આ પરિસ્થિતિ છે તો આગળ હજી કેટલી જગ્યાએ વરસાદી પાણીથી લોકો મુશ્કેલીમાં મુકાશે. આમ દર વર્ષે ચોમાસાની મોસમમાં આ સમસ્યા ઉભી થાય છે. છતાં તંત્ર દ્વારા કામગીરીમાં ગુણવતા જાળવવામાં આવતી નથી અને તેનો ભોગ સ્થાનિક રહિશોને બનવું પડે છે. 

Print