www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લીંબડી-અમદાવાદ હાઇવેમાં ડમ્પર-ટ્રક વચ્ચે અકસ્માત : ટ્રક સળગી ઉઠતા પિતા-પુત્ર ભડથુ થયા


ફાયર વિભાગની ટીમે ત્રણ કલાકની મહેનત બાદ આગ બુઝાવી

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 1
લીંબડી-અમદાવાદ હાઇવે પર ભલગામડા સર્કલ પાસે ડમ્પરચાલકે પાછળથી ટ્રકને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં લીંબડી પોલીસ ટીમ તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ગોઝારી ઘટનામાં પિતા-પુત્ર આગમાં ભડથું થઈ ગયા હતા અને ત્યાં અકસ્માતમાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ દોડી દીધો હતો.

વધુ વિગતો મુજબ, લીંબડી હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. જેને પગલે ધ બર્નિંગ ટ્રકને જોવા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિ બળીને ખાખ થઈ જતાં બંનેના મોત નીપજ્યા હતા.

આ ઘટનામાં દ્વારકા રહેતા આમીનભાઈ આદમભાઇ હાકડા (ઉ.18) અને તેમના પિતા આદમભાઇ મહંમદભાઈ હાકડા(ઉ.વ.45)નું જીવતા સળગી જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ત્યાં અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પિતા પુત્ર બાજરો ભરી પરત ફરતા હોવાનું સામે આવ્યું છે.

આદમભાઈને સંતાનમાં ત્રણ છે.તેમજ પોતાનો ટ્રક લઇ બાજરો ભરવા ગયા હતા. અકસ્માતની ઘટનામાં ઘવાયેલા પવનકુમાર ઇન્દ્રમોહન ઝા(ઉ.વ.34)નું રાજકોટ  સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે,આ પહેલા પણ અકસ્માત બાદ  આગ લાગી હોય તેવી કેટલીય ઘટના બની છે.

 

Print