www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોટાભાગની દુકાનો-માર્કેટો સ્વયંભૂ બંધ છતાં અમુક જગ્યાએ ‘હાથ જોડવા’ પડયા


કોંગ્રેસના બાઈકસવાર કાર્યકરોએ ‘માઈક’ મારફત વિનંતી કરી: અમુક ખુલ્લી દુકાનોના શટર પડાવ્યા

સાંજ સમાચાર

રાજકોટ તા.25
 આજે રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ છે. એક મહિના પૂર્વે રાજકોટમાં ગોઝારી ઘટના બની હતી. જેમાં 28 જીંદગી હોમાઈ ગઈ હતી. પરિવારોનો આક્રંદ હજુ થમ્યો નથી. કોઈએ એકનો એક દિકરો તો કોઈએ પરિવારના ચાર લોકો ગુમાવ્યા છે. આ ઘટનાએ મોટા પડઘા પાડયા છે. પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે.

15 દિવસ પૂર્વે, ત્રિકોણબાગ પાસે ઉપવાસ આંદોલન કરી ન્યાય માટે અપીલ કરી હતી. તેને બહોળો પ્રતિસાદ મળ્યા બાદ આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. છેલ્લા 26 દિવસથી કોંગ્રેસે ઝુંબેશ ઉપાડી હતી. આજે સવારથી કોંગ્રેસ અગ્રણીઓ રાજકોટની ખુલ્લી દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા.

 જે દુકાનો બંધ ન હતી તે દુકાનદારોને હાથ જોડીને વિનંતી સાથે દુકાનો બંધ કરાવી હતી. કોઈપણ પ્રકારના સંઘર્ષ વગર વિનમ્રતાપૂર્વક દુકાનો બંધ કરાવવામાં આવી હતી. રાજકોટની મુખ્ય બજારોમાં કોંગ્રેસ અગ્રણી જીગ્નેશ મેવાણી રાહુલ ગાંધીના પોસ્ટરવાળુ ટીશર્ટ પહેરી બજારો બંધ કરાવવા પહોંચ્યા હતા.

આ ઉપરાંત વિદ્યાર્થી નેતાઓ બાઈકમાં સ્પીકર સાથે બંધનું એલાન કરતા નિકળ્યા હતા અને બંધ માટે અપીલ કરી હતી. સોની બજાર, ગુંદાવાડી, ઘીકાંટા રોડ, લાખાજીરાજ રોડ, સહિત અનેક બજારો સજજડ બંધ રહી હતી. અનેક વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખવાનું એલાન કયુર્ં હતું. કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્ણ બંધ રાખવાની કામગીરી કરાઈ હતી. જે લોકોએ બંધ પાળ્યું હતું તેઓનો આભાર માન્યો હતો. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Print