www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આયુષ્યમાન યોજનામાં ગોટાળા: રાજકોટની બાળકોની હોસ્પિટલને 6.54 કરોડનો દંડ


લક્ષ્મીનગર મેઈન રોડ પરની નિહિત બેબીકેર હોસ્પિટલના 524માંથી 116 કેસમાં ગોલમાલ પકડાઈ: 65 લાખના ખોટા બીલ મૂકતા 10 ગણી પેનલ્ટી: સામાન્ય બિમાર બાળકોના રિપોર્ટમાં ચેડા કરી સરકારમાં મોટા બિલ મુકાતા: આરોગ્ય અધિક નિયામક ડો. મિશ્રાનો હુકમ

સાંજ સમાચાર

રાજકોટ,તા.28
ડોકટરને ભગવાનનો દરજજો આપવામાં આવ્યો છે. જીવન રક્ષક બનતા ડોકટરોએ અત્યારે ઉઘાડી લુંટ ચાલુ કરી છે. પૈસા કમાવવાની હોડમાં અનિતીના રસ્તે ચાલવા માંડયા છે તેવો જ એક કિસ્સો રાજકોટની નિહિત બેબીકેર હોસ્પિટલમાં સામે આવ્યા છે. જેમાં ડોકટરે આયુષ્યમાન યોજના હેઠળ કરવામાં આવેલ છેતરપીંડીમાં હોસ્પિટલને 6.54 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાતમાં પ્રથમવાર એવી ઘટના બની છે જયાં એક હોસ્પિટલને 6.54 કરોડનો સૌથી વધુ દંડ ફટકારવામાં આવ્યો હોય. હાલ આ હોસ્પિટલને દંડ સાથે આયુષ્યમાન યોજનાનો સરકાર સાથેના કરારની યાદીમાંથી હોસ્પિટલનું નામ હટાવી દેવામાં આવ્યું છે જે નિહિત હોસ્પિટલને ચોકકસ મુદતમાં આ દંડની રકમ ફરજીયાતપણે ભરવાની રહેશે.

લક્ષ્મીનગર મેઈન રોડ, ત્રિશુલ ચોક પાસે આવેલ નિહિત બેબીકેર હોસ્પિટલના ડો.હિરેન મારૂ દ્વારા આ છેતરપીંડી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે.સિંઘને મળતી માહિતી મુજબ નિહિત બેબીકેર હોસ્પિટલમાં થતા લેબોરેટરીના રિપોર્ટમાં વધુ ચાર્જ ઉમેરી સરકારને પોર્ટલમાં ચડાવવામાં આવતું હતું. અંદાજે 116 લેબના રિપોર્ટમાં નિયત કરેલ ચાર્જથી વધુ ચાર્જ ઉમેરી સરકારના આયુષ્યમાન પોર્ટલ પર રિપોર્ટ જમા કરવામાં આવતા હતા.

આ કામગીરીમાં સરકારને ગડબડ લાગતા જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે.સિંઘને તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન 65 લાખની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યુ હતું. આ રકમની 10 ગણી પેનલ્ટી રકમ 6.54 કરોડનો દંડ હોસ્પિટલને ફટકારવામાં આવ્યો છે. નિહિત બેબીકેર હોસ્પિટલમાં નાના બાળકોને સારવાર આપવામાં આવે છે.

આયુષ્યમાન યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે સારવાર અને રિપોર્ટ કરી આપવામાં આવે છે. આ રિપોર્ટની નિયત રકમ સરકાર દ્વારા હોસ્પિટલને ચૂકવવામાં આવે છે પરંતુ વધુ પૈસા કમાવવાની લ્હાયમાં ડોકટરે 524માંથી 116 રિપોર્ટમાં વધુ ચાર્જ ઉમેરી પોર્ટલમાં રિપોર્ટ અપલોડ કર્યા હતા. એક મહિના પુર્વે 3 મે ના રોજ આ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

સરકારની 10 ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં રાજકોટના છ અધિકારીઓને સાથે રાખી તપાસ કરાવી હતી. ગુજરાતમાં પ્રથમ વખત સૌથી મોટો દંડ હોસ્પિટલને ફટકારવામાં આવ્યો હતો. છેતરપીંડી કરનાર હોસ્પિટલો સામે આ એક મોટી કાર્યવાહી છે.

Print