www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાઈક સાઈડમાં લેવાનું કહેતા રામનાથપરાના બે શખ્સોનો બાલાજી ફાસ્ટફૂડના માલિક બળવંતભાઈ પર છરીથી ખુની હુમલો


કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિર સામેનો બનાવ: એજાજ દલવાણી અને સોહિલ મેમણે કરેલા હુમલામાં વેપારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી: સારવારમાં ખસેડાયા: માલવીયાનગર પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી

સાંજ સમાચાર

રાજકોટ તા.23
 કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિર સામે આવેલ બાલાજી ફાસ્ટફૂડના માલીક બળવંતભાઈએ ત્યાં પાર્ક કરેલ બાઈક સાઈડમાં લેવાનું કહેતા રામનાથપરાના એજાજ દલવાણી અને સોહિલ મેમણે છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે માલવીયાનગર પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
 

ગાંધીગ્રામ સોસાયટી શેરી નં.9/1ના ખુણે શિવશકિત ડેરીની સામે રહેતા બળવંતભાઈ ઘનશ્યામભાઈ રાજા (ઉ.49)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે એજાજ દલવાણી અને સોહિલ મેમણ રહે. રામનાથપરાનું નામ આપતા માલવીયાનગર પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ કાલાવડ રોડ પર બાલાજી ફાસ્ટફૂડ એન્ડ ગોલા નામની દુકાન ચલાવે છે. દુકાને તેમના પુત્ર રૂપેશ હાર્દીક અને અન્ય માણસો કામ કરે છે. અગાઉ 15 દિવસ પહેલા એજાજ દલવાણી અને સોહિલ મેમણ બાઈકમાં ધસી આવેલ અને રોડ પર બાઈક પાર્ક કરતા તેઓને વ્યવસ્થિત સાઈડમાં બાઈક પાર્ક કરવાનું કહેલ તે વખતે બન્ને શખ્સો કહેવા લાગેલ કે અમે તો આ રીતે જ અમારા વાહનો પાર્ક કરીશું તેમ કહી બોલાચાલી કરેલ હતી. બાદ ગઈ રાતે તેઓ દુકાને હતા.

ત્યારે એજાજ દલવાણી અને સોહિલ અલગ અલગ બાઈકમાં દુકાને ધસી આવેલ અને રોડ પર બાઈક પાર્ક કરતા ફરીયાદીના પુત્ર હાર્દીકે તેઓને વ્યવસ્થીત પાર્ક કરવાનું કહેતા બન્ને શખ્સોએ બાઈક તેમની દુકાન પાસે ઉભા રાખી દીધા હતા. ફરીવાર હાર્દીકે બન્ને શખ્સોને વાહનો દુર રાખવાનું કહેતા એજાજ દલવાણીએ હાર્દીકને ફડાકો ઝીંકી દીધો હતો દરમ્યાન ફરીયાદી પુત્રને છોડાવવા વચ્ચે પડતા એજાજે ટુ વ્હીલમાંથી છરી કાઢી મારી નાખવાની ઈરાદે માથાના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેઓને માથાના ભાગે અને હાથમાં ઈજા થયેલ હતી.

તેમજ સોહિલ મેમણે દુકાને પડેલ ખુરશી અને સરબતની બોટલોના છુટા ઘા કરી હુમલો કર્યો હતો. બાદમાં બન્ને શખ્સો વાહનો મુકી નાસી છુટયા હતા. ઈજાગ્રસ્ત બળવંતભાઈને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી બન્ને શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 

Print