www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

9 ફૂટથી વધુ ઊંચાઈના તાજીયા પર પ્રતિબંધ : સીપીનું જાહેરનામું


મહોરમના તહેવાર નિમિત્તે તાજીયા કમિટીઓ દ્વારા તાજીયા બનાવવાનું શરૂ થાય તે પહેલા જાહેરનામું પ્રસિદ્ધ : વિવિધ નિયમોનું પાલન કરવા ઉલ્લેખ

સાંજ સમાચાર

રાજકોટ, તા.23
રાજકોટમાં 9 ફૂટથી વધુ ઊંચાઈના તાજીયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. મહોરમના તહેવાર નિમિત્તે તાજીયા કમિટીઓ દ્વારા તાજીયા બનાવવાનું શરૂ થાય તે પહેલા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અને વિવિધ નિયમોનું પાલન કરવા ઉલ્લેખ કરાયો છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ શહેરમાં દર વર્ષે મુસ્લીમ સમુદાયમાં તાજીયા રાખવામાં આવે છે. રાજકોટ શહેરમાં આ વર્ષે તા.16 અને 17 જુલાઈના રોજ તાજીયા મહોરમ છે. આ તહેવાર અગાઉ બનાવવામાં આવતા તાજીયાઓના કદ બાબતે ઉંચાઇનું યોગ્ય અને નિયત ધોરણ જાળવી રાખવામાં આવે જેથી ઝુલુસ પ્રક્રિયા સરળતાથી થાય.

આ દરમિયાન ટ્રાફીક સરળતાથી ચાલુ રહે અને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. તેમજ બીજા ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્યો ન કરવામાં આવે તે સુનિશ્વિત કરવું જરૂરી છે. તાજીયા મહોરમ અંગેનું તા.22/5/2024થી તા.18/7/2024 ના સવારે 6 વાગ્યા સુધીનું ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ની કલમ 144 મુજબનું જાહેરનામું બહાર પાડેલ છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર, બેઠક સહિત 9 ફૂટ કરતા વધારે ઊંચાઈના તાજીયા બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત આ તાજીયા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા પર નિયત કરેલ સ્થળ સિવાયના અન્ય સ્થળ પર તાજીયા મુકવા પર જે જગ્યાએ તાજીયા બનાવવાની કામગીરી કરે છે તથા જે જગ્યા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઈપણ પ્રકારના તાજીયા રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે રાખવા પર પ્રતિબંધ મુકાયો છે.

આ ઉપરાંત કોઇપણ તાજીયાઓને બિનવારસી હાલતમાં મુકવા પર, કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇપણ પ્રકારના ચિન્હો કે નિશાની વાળા તાજીયાઓ બનાવવા. ખરીદવા તથા વહેંચાણ કરવા ઉપર તેમજ કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇપણ પ્રકારના વર્તન કરવા પર, મંજૂરીમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર નિકળવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

સુપિમ કોર્ટની ગાઇડલાઇન તથા ગુજરાત પેલ્યુશન ડેટોલ બોર્ડ પર્યાવરણના જાહેરનામા મુજબ રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. આ અંગેની વખતો વખત બહાર પાડવામાં આવતા ધ્વની પ્રદુષણ અંગેના જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. ડી.જે. વગાડવાની પરવાનગી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન તરફથી અલગથી મંજુરી મેળવવાની રહેશે.

પોલીસ સ્ટેશન દ્વારા તાજીયા અંગેની મંજુરી આપવામાં આવે, જે મંજૂરીમાં નક્કી કરેલ રૂટ ઉપર જણાવેલ સમય મર્યાદામાં તાજીયા પૂર્ણ કરવાના રહેશે. તાજીયા કમિટી દ્વારા જાહેર રસ્તા ઉપર કે પબ્લીક સ્ટોલ લગાવવામાં આવે છે ત્યાં કચરા પેટી રાખવાની થતા સફાઇ કરાવવાની જવાબદારી તાજીયા કમિટીના આયોજકોએ અલાયદી વ્યવસ્યા રાખવાની રહેશે. તેમ જાહેરનામામાં જણાવાયું છે.

Print