www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બેંગ્લોરમાં બોર ડૂકયા એટલે જળસંકટ સર્જાયું-રાજકોટમાં પણ નવા વિકલ્પની જરૂર


જળસંચય માટે વિવિધ સંસ્થાઓ, બિલ્ડર, એસો. સાથે કમિશ્નરની બેઠક : નર્મદા યોજના સિવાયનો ભૂગર્ભ જળ જેવો મજબુત સ્ત્રોત અનિવાર્ય : 90:10થી જનભાગીદારી કરશે મહાપાલિકા

સાંજ સમાચાર

રાજકોટ, તા. 25
મનપા ખાતે જળ સંચય અભિયાન બાબતે શહેરની જુદી જુદી સંસ્થાઓના હોદેદારો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ બેઠકમાં કમિશનર આનંદ પટેલે કહ્યું હતું કે, જુદી જુદી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા શહેરમાં જળ સંચય માટે સારૂ કામ થઇ રહ્યું છે, પરંતુ જળ સંચયના પ્રમાણમાં હજુ પણ મોટા પાયે કામ કરવાની આવશ્યકતા જણાય છે. વધુ ને વધુ લોકો પોતાના ઘેર કે વ્યવસાયના સ્થળોએ રહેલા બોર રિચાર્જ કરાવી ચોમાસામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા આગળ આવે એ વર્તમાન સમયની માંગ છે.

કમિશનરે બેંગ્લોર શહેરનું ઉદાહરણ આપતા એવી ટકોર પણ કરી હતી કે, કાવેરી નદીના નીર પર નિર્ભર બેંગ્લોર શહેર તાજેતરના સમયમાં મોટી જળ કટોકટીનો સામનો કરી રહ્યું છે. બેંગ્લોરમાં સર્જાયેલી જળ કટોકટીના અભ્યાસ પરથી એ પણ જાણવા મળ્યું છે કે, બેંગ્લોરમાં આશરે પંદર હજાર જેટલા બોર પૈકી છ હજાર જેટલા બોરમાં પાણી ખલાસ થઇ ઘ્યું હતું. ચેન્નાઈ શહેર પણ થોડો સમય જળ કટોકટીનો સામનો કરી ચુક્યું છે. રાજકોટ શહેરમાં પણ જમીનમાં જળ સ્તર વધુ ને વધુ નીચે જઈ રહ્યું છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં આવી સ્થિતિ અનુભવાય છે.

આનંદ પટેલે ટકોર પણ કરી હતી કે, ઉનાળાની શરૂઆત થાય ત્યાં જ બોરના પાણી ઊંડા ઉતરી જતા હોવાનું આપણે અનુભવીએ છીએ અને ત્યારબાદ ઉનાળામાં બોરના પાણીનો ઉપયોગ પણ વધતો હોય છે અને તેના પરિણામે જમીનમાં જળસ્તર વધુ ને વધુ નીચું ઉતરી જતું હોય છે. આવી પરિસ્થિતિમાં ચોમાસા પૂર્વે જ તમામ લોકોએ પોતાના મકાનના ધાબાનું પાણી બોરમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરવી જ જોઈએ. ધારો કે, નર્મદાની જળ સપાટી અને જળ રાશી ઘટે તો શું થાય એ પ્રશ્ન વિશે પણ વિચારવું ખુબ જ જરૂરી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી રાજકોટવાસીઓ પાણીનો અન્ય એક વિકલ્પ પણ હાથવગો રાખે તે જરૂરી જણાય છે. 

કેન્દ્ર સરકારે અમૃત 2.0 હેઠળ જળ સંચય પ્રવૃત્તિ માટે પાઈલોટ સિટી તરીકે દેશના જે 10 શહેરો પસંદ કર્યા છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. નવા બજેટમાં 90:10ની સ્કીમ રજુ કરી જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. જેમાં કોર્પો. 90 ટકા અને લોકોએ 10 ટકા ખર્ચ ભોગવવાનો રહેશે. 
 સિટી એન્જી.  અલ્પના મિત્રાએ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને ભૂસ્તર અંગે થયેલા અભ્યાસ અંગે વાત કરી હતી. ડે.એન્જી. કે. પી. દેથરિયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ આયોજન માટે ડે.ઈજનેરો છૈયા, પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ બેઠકમાં એન્જી. એસો., હોટેલ એસો. ક્ધસલ્ટીંગ સિવિલ એન્જી. એસો., ઇન્ડિયન મેડિકલ એસો., ખોડલધામ સંસ્થા, આજીજી.આઈ.ડી.સી. એસો., આર્કિટેક્ટસ એસો., સ્વામિનારાયણ સંસ્થા (કાલાવડ રોડ), સદભાવના ટ્રસ્ટ, સ્વામિનારાયણ સંસ્થા (ગોંડલ રોડ), ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બિલ્ડર એસો., વગેરે સંસ્થાઓના મહાનુભાવો, નાયબ મ્યુનિ. કમિશનરઓ સ્વપ્નિલ ખરે અને  ચેતન નંદાણી તેમજ સિટી એન્જી. અલ્પના મિત્રા, તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વિસ્તારોમાં બોર રીચાર્જ કરાયા

વોર્ડ નં.     સ્થળનું નામ

6         શ્રી રણછોડનગર શેરી નં.5

15       કુબલીયાપરા શેરી નં.4 ચારબાઈ મંદિર પાસે

16       જંગલેશ્વર શેરી નં.3 7

18       કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે

18       કોઠારીયા સોલવન્ટ નુરાનીપરામેઈન રોડ 

18       કોઠારીયા સોલવન્ટ નારાયણનગર

18       કોઠારીયા સોલવન્ટ ગુ.હા.બોર્ડ

Print