www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બ્રિટને સ્ટુડન્ટ વિઝાનો દુરઉપયોગ ઘટાડવા આકરા નિયમો ઘડયા: ગ્રેજયુએટ વિઝાનાં છાત્રોને રાહત


પીએચડી ગ્રેજયુએટસ માટે 3 વર્ષ સુધી યુકેમાં રહેવાની મંજુરી સાથે કામ શોધવાની તક પણ મળશેે

સાંજ સમાચાર

લંડન,તા.25
બ્રિટને હાલમાં જ સ્ટુડન્ટ વિઝાનો દુરૂપયોગ ઘટાડવા આકરા નિયમો ઘડ્યા છે. પરંતુ ગ્રેજ્યુએટ વિઝા રૂટ જારી રાખી વિદ્યાર્થીઓને રાહત પણ આપી છે. બ્રિટિશ સરકાર તેનો રિવ્યુ કર્યા બાદ રિવ્યૂ પરથી કોઈ ફેરફાર કરી શકે છે. ગ્રેજ્યુએટ રૂટ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓને પોતાનો કોર્સ પૂરો કર્યા બાદ બે વર્ષ (પીએચડી ગ્રેજ્યુએટ્સ માટે 3 વર્ષ) સુધી યુકેમાં રહેવાની મંજૂરી આપે છે. જેમાં કામ શોધવાની તક પણ મળે છે.

આ નવા પ્રસ્તાવોથી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ભરતી પણ નિયંત્રણો મૂકવામાં આવશે અને ભ્રષ્ટ ભરતી એજન્ટો પર સંકજો કસવામાં આવશે. એજન્ટ યુનિવર્સિટીઝના એજન્ટ્સ સાથે મળી લોકોને બ્રિટિશ યુનિવર્સિટીમાં અપ્લાય કરવા પ્રેરિત કરે છે. જેમાં લાયકાત અને ધારા-ધોરણોને અનુસર્યા વિના જ સરળતાથી યુનિવર્સિટીમાં એડમિશન અપાવી યુકે વિઝા અપાવે છે.

અગાઉ, બ્રિટિશ સરકાર દ્વારા રચિત માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ ઓળખી કાઢ્યું છે કે, યુકેમાં ગ્રેજ્યુએટ વિઝા કાર્યક્રમનો દુરપયોગનું પ્રમાણ ઓછું છે. નિયંત્રણો લાગુ કરવા માટે યુનિવર્સિટી અને કોલેજોને વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે કડક નિયમો લાગુ કરવા નિર્દેશ કર્યો છે. જો યુનિવર્સિટીએ દિશા-નિર્દેશોનુ પાલન ન કર્યુ તો તેનું સ્પોન્સર લાઇસન્સ રદ કરવામાં આવશે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, 2022માં માઈગ્રેશનમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. બ્રિટિશ સરકાર દ્વારા વિઝાના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા વિઝા અરજી 25 ટકા ઘટી છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ અગાઉ અંદાજ મૂક્યો હતો કે, આગામી 12 માસમાં માઈગ્રેશન 2022ની ટોચેથી અડધુ થશે.

બ્રિટિશ ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, "અમે અમારા દેશના ઈતિહાસમાં લીગલ ઈમિગ્રેશનમાં સૌથી મોટો ઘટાડો હાંસલ કરવા માટે નિર્ણાયક અને જરૂરી પગલાં લીધા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં વિઝાની અરજી ઘટી છે. છેલ્લા એક ત્રિમાસિકમાં વિઝા એપ્લિકેશન્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે."

આ સુધારાઓ દ્વારા બ્રિટિશ સરકાર લીગલ માઈગ્રેશન ઘટાડવાની યોજના બનાવી રહી છે. આનો અર્થ એ થયો કે ગયા વર્ષે આવેલા 3 લાખ લોકો નવા નિયમો હેઠળ વસવાટ કરી શકશે નહીં.

આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ કન્સલ્ટિંગ કંપની ફતેહ એજ્યુકેશનના CEO અને કો-ફાઉન્ડર સુનીત સિંહ કોચરે જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે સૂચવેલા પગલાં સબ-એજન્ટોને વિદ્યાર્થી વિઝા અને GIRનો ઈમિગ્રેશનના પ્રવેશદ્વાર તરીકે દુરુપયોગ કરતા અટકાવશે તેઓ જે એજન્ટો સાથે કામ કરે છે અને તેઓ જે વિદ્યાર્થીઓની ભરતી કરે છે તેમના માટે જવાબદાર રહેશે."

 

Print