www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોલેરાનો ફફડાટ : મનપાના હોકર્સ ઝોનમાં ડે.કમિશ્નર જાતે ત્રાટકયા : પનીર સહિત 44 કિલો માલનો નાશ


ચોમાસામાં પાણીજન્ય રોગચાળો રોકવા હોટલો સહિતના સ્થળે ડ્રાઇવ શરૂ : 11 ધંધાર્થીને ત્યાંથી વાસી ખાદ્ય પદાર્થ મળી આવ્યા

સાંજ સમાચાર

રાજકોટ, તા. 25
રાજકોટમાં ચોમાસાનો વરસાદ શરૂ થઇ ગયો છે અને જિલ્લાના ઉપલેટા પંથકમાં પાણીજન્ય કોલેરાના રોગના કેસ બહાર આવ્યા છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન વધુ સતર્ક બન્યું છે. ગઇકાલે ડે.કમિશ્નર ખુદ ફુડ વિભાગની ટીમ લઇને હોટલથી માંડી લારીઓ સુધી ચેકીંગમાં નીકળ્યા છે ત્યારે કાલાવડ રોડ પર એ.જી. ચોકમાં આવેલા મનપાના જ હોકર્સ ઝોનમાં દરોડા પાડયા હતા. જેમાં 11 લારીઓમાંથી બાંધેલો લોટ, ગ્રેવી, મસાલા, પનીર, પીઝા સહિતના 44 કિલો વાસી માલનો નાશ કર્યો છે. 

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો ફેલાય નહી તે માટે નાયબ કમિશ્નર સ્વપ્નિલ ખરેની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારી, હોટેલ, રેસ્ટોરેન્ટ વગેરેમાં વિશેષ ચકાસણી ઝૂબેશ હાથ ધરવામાં આવેલ છે.

જેઅન્વયે સેફટી વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ પર એ.જી. ચોકમાં આવેલ હોકર્સ ઝોનમાં ખાણીપીણીના ર8 ધંધાર્થીને ત્યાં ચેકીંગ કર્યુ હતું અને 11 ધંધાર્થીને ત્યાંથી 44 કિલો માલ વાસી મળતા સ્થળ પર જ નાશ કરી નાંખ્યો હતો. 

જે જગ્યાએથી વાસી માલ મળ્યો તેમાં (1)દિલખુશ પાણીપુરીમાં બટેટા, ઢોકળાનું ખીરું 7 કિલો (2)બાલા ચાઇનીઝ પંજાબીમાંથી આજીનો મોટો 7 કિલો (3)જયશ્રી રામ ચાઇનીઝ પંજાબીમાંથી બાંધેલો લોટ, ગાર્લિક પેસ્ટ 4 કિલો (4)હર હર મહાદેવ ચાઇનીઝમાંથી ગ્રેવી તથા નુડલ્સ 6 કિલો (5)માહિર મદ્રાસ કાફેમાંથી પાંચ કિલો બટેટાનો મસાલો (6)માહિર ચાઇનીઝ પંજાબીમાંથી પાંચ કિલો  ગ્રેવી તથા આજીનો મોટો (7)પીઠડ ચાઇનીઝ પંજાબીમાંથી બે કિલો વાસી પનીર(8) યશ ફાસ્ટફૂડમાંથી બે કિલો મીઠી ચટણી (9)શ્રીનાથજી ભેળ પાણીપૂરીમાંથી ત્રણ કિલો બાફેલા બટેટા (10)ભોલા ફાસ્ટફૂડમાંથી બે કિલો વાસી પિઝા  (11)રૂહી વેજ મોમઝમાંથી એક કિલો પનીર મળી કુલ 44 કિલો અખાદ્ય માલને ફેંકી દેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત (12)પટેલ ચાઇનીઝ પંજાબી (13)જય બાલાજી કરછી દાબેલી (14)બજરંગ ઘૂઘરા (15)ભેરુનાથ કસાટા આઇસ્ક્રીમ (16)જિલ્લાની વડાપાઉં (17)ક્રિષ્ના પાઉંભાજી (18)જલારામ કોલ્ડ્રિંક્સ (19)શુભમ સેન્ડવીચ (20)ગાયત્રી મદ્રાસ કાફે (21)કિશનભાઈ બટેટાવાળા (22) શન્નીભાઈ બટેટાવાળા (23)દેવ ફાસ્ટફૂડ (24)દેવ મદ્રાસ કાફે (25)ચાઇનીઝ એક્સપ્રેસ (26)ક્રિષ્ના ચાઇનીઝ પંજાબી (27)એન જોય પોઈન્ટ (28)ઉસ્તાદ લાઈવ કાઠિયાવાડીમાં તપાસ કરાઇ હતી.

બે કેસ ચાલી ગયા
રામનાથપરામાંથી હલકુ પનીર મળી આવવાનો કેસ ચાલી જતા અધિક કલેકટર ઇમ્તિયાઝ કાણીયાને રૂા. પાંચ લાખ અને હાથીખાનામાંથી ઇશ્ર્વર લાલજીભાઇ કાકુની મીઠી ચટણીમાં ભેળસેળ મળતા રૂા. દોઢ લાખનો દંડ કરાયાની જાણ આરોગ્ય વિભાગને જિલ્લા તંત્રએ કરી છે. 

 

Print