www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગીર સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે કિટનું વિતરણ શરૂ કરાયું


ગુજરાત એગ્રો માન્ય સંસ્થાઓ પાસેથી ખેડૂતો કિટ મેળવી શકશે

સાંજ સમાચાર

વેરાવળ તા.25
ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા જિલ્લાની 2500 હેકટર જમીન માટે 120 લાખની જોગવાઈ કરવામાં આવી છે. નારીયેળીના બગીચા ધરાવતા ખેડૂતોને સફેદ માખીના નિયંત્રણ માટે સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ ઘટક હેઠળ ખેડૂતોને પ્રતિ હેકટર દસ હજાર (10,000) ખર્ચના 50 % મુજબ 5000/- પ્રતિ હેકટર સહાય આપવામાં આવે છે. ખાતેદાર દીઠ વધુમાં વધુ ચાર હેકટર સહાય મળવાપાત્ર છે. આ કીટની અંદર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ થયેલ જૈવિક દવા બ્યુવેરીયા બાસીયાના તથા નીમ ઓઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ કીટ ખેડુતોને ગુજરાત એગ્રો માન્ય સંસ્થાઓ જેવી કે એગ્રી બિઝનેશ સેન્ટર-એપીએમસી માર્કેટ યાર્ડ, વેરાવળ, એગ્રી બિઝનેશ સેન્ટર-કોડીનાર તાલાલા, ઉના ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ 7/12, 8-અ. આધારકાર્ડ, નાળીયેરી પાક વાવેતરનો તલાટીનો દાખલો વગેરે સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે. આ યોજનાનો લાભ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. જેથી નાળીયેરી પાકની ખેતી કરતા ખેડુતોને લાભ લેવા નાયબ બાગાયત નિયામકની કચેરી, ગીર સોમનાથ દ્વારા અનુરોધ કરાયો છે. 

 

Print