www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

2019માં 58માંથી 40 બેઠકોમાં ભાજપે એકલા હાથે જીત મેળવી હતી

6ઠ્ઠા તબકકામાં ઉત્સાહભેર મતદાન: પશ્ચિમ બંગાળમાં હિંસા; 1નુ મોત


► પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં રાજકીય હિંસામાં તૃણમુલ કોંગ્રેસના આગેવાનનુ મોત, એક ગંભીર: ભાજપના પાંચ કાર્યકરોની ધરપકડ

સાંજ સમાચાર

► ધર્મેન્દ્ર પ્રધાન, બાંસુરી સ્વરાજ, રાજ બબ્બર, કનૈયાકુમાર સહિત 889 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે: રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોનુ મતદાન

► કાશ્મીરમાં મહેબુબ ધરણા પર બેઠા: દિલ્હીમાં ‘આપ’ના ગઢમાં મતદાન ધીમુ કરાવવા પોલીસને સૂચના અપાયાનો આરોપ: આક્ષેપોનો મારો

નવી દિલ્હી,તા.25
લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા તબકકામાં આજે આઠ રાજયો- કેન્દ્રશાસીત પ્રદેશોની 58 બેઠકોમાં ધીમુ મતદાન રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જ 50 ટકાને આંબી ગયુ હતું. પશ્ચિમ બંગાળમાં મતદાન હિંસક રહ્યુ હોય તેમ રાજકીય અથડામણની એકથી વધુ ઘટનામાં તૃણમુલ કોંગ્રેસના આગેવાનની હત્યા થઈ હતી. અન્ય રાજયોમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધીમાં સૌથી વધુ 54.80 ટકા મતદાન થયુ હતું. દિલ્હીમાં 34.4 ટકા, ઝારખંડમાં 42.54 ટકા, ઉતરપ્રદેશમાં 37.23 ટકા, હરિયાણામાં 36.48 ટકા, કાશ્મીરમાં 35.22 ટકા, બિહારમાં 36.48 ટકા તથા ઓડિશામાં 35.69 ટકા મતદાન હતું.

પશ્ચિમ બંગાળના પુર્વીય મિદનાપુરના મહિષાદલમાં તૃણમુલ કોંગ્રેસના ઉપાધ્યક્ષની હત્યા થઈ હતી. પાંચ ભાજપના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક સ્થળે પણ તૃણમુલ કોંગ્રેસ તથા ભાજપ કાર્યકરો બાખડયા હતા તેમાં ટીએમસી જ એક કાર્યકરને ગંભીર ઈજા થઈ હતી.

દેશમાં સાત તબકકામાં નિર્ધારિત થયેલી લોકસભાની ચૂંટણીનો આજે છઠ્ઠો તબકકો રહ્યો છે. આઠ રાજયો, કેન્દ્ર શાસીત પ્રદેશોની 58 બેઠકો પર 889 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં ધર્મેન્દ્ર પ્રધાન, મેનકા ગાંધી, બાંસુરી સ્વરાજ, રાજબબ્બર, કનૈયાકુમાર જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

આજના છઠ્ઠા તબકકામાં સામેલ 58 બેઠકોમાં બિહારની આઠ, હરિયાણાની 10, ઝારખંડની ચાર, દિલ્હીની સાત, ઓડિશાની છ, ઉતરપ્રદેશની 14, પશ્ર્ચિમ બંગાળની આઠ તથા જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે.

પાટનગર દિલ્હીની તમામ સાત બેઠકો પર મતદાન હોવાથી પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારથી મતદારોની લાઈનો લાગી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પુર્વ સાંસદ ગૌતમ ગંભીર, બાંસુરી સ્વરાજ, કેન્દ્રીયમંત્રી હરદીપસુરી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યુ હતું.

ભગવાન જગન્નાથ પણ મોદીના ભકત હોવાનું વિધાન કરીને વિવાદ સર્જનાર ભાજપના ઓડિશાની પુરી બેઠકના ઉમેદવાર સંબીત પાત્રાએ મંદિરમાં પુજા કર્યા બાદ મતદાન કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓએ વધુને વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નાગરિકોનો એક-એક મત કિંમતી છે અને તમામ લોકો મતદાન કરે. લોકોના મતદાન થકી જ લોકશાહી વધુ વિકસે છે. ખાસ કરીને મહિલા-યુવા મતદાતાઓને મહતમ મતદાન કરવાનો તેઓએ આગ્રહ કર્યો હતો.

ભાજપ માટે આજના છઠ્ઠા તબકકાની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે 58માંથી 40 બેઠકો પર 2019માં એકલા હાથે જીત મેળવી હતી. આ સિવાય ચાર બેઠકો પર બહુજન સમાજ પાર્ટી, ત્રણ બેઠકો પર જેડીયુ, ચાર બેઠકો પર બીજુ જનતાદળ, ત્રણ બેઠકો પર તૃણમુલ કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. લોક જનશક્તિ પાર્ટી, ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન પાર્ટી, સમાજવાદી પાર્ટી તથા કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીએ એક-એક બેઠક પર જીત મેળવી હતી. આજની 58માંથી એક પણ બેઠક પર કોંગ્રેસની જીત થઈ ન હતી.

છઠ્ઠા તબકકાના મતદાનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ એવો આરોપ મુકયો હતો કે ‘આપ’નુ પ્રભુત્વ હોય તેવા વિસ્તારોમાં મતદાન ધીમુ રાખવા પોલીસને સુચના આપવામાં આવી છે. કાશ્મીરમાં પણ ગરબડના આરોપ સાથે મહેબુબા મુફતી ધરણા પર બેસી ગયા હતા.

Print