www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે પિતા-પુત્ર ઉપર લાકડી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ


સાંજ સમાચાર

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા, તા. 01
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામના મૂળ રહીશ અને હાલ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા કરસનભાઈ દેવશીભાઈ ડાભી નામના 52 વર્ષના સતવારા આધેડ તથા તેમના પિતાને ગઢકા ગામના સંજય રણછોડભાઈ ડાભી, રણછોડભાઈ માધાભાઈ ડાભી અને ભીમાભાઈ માધાભાઈ ડાભી નામના ત્રણ સભ્યોએ બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદીના નાનાભાઈ જેરામભાઈ આરોપી પરિવારની એક મહિલાને અવારનવાર ફોન તેમજ મેસેજ કરતા હોય, જે અંગેનો ખાર રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે આઈપીસી કલમ 324, 323, 504, 441, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
 

કલ્યાણપુર પંથકની પરિણીતાને ત્રાસ આપતા પોરબંદરના સાસરિયાઓ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે હાલ રહેતી અને હમીરભાઈ ગીગાભાઈ મોઢવાડિયાની 37 વર્ષની પરિણીત પુત્રી જયાબેન રામાભાઈ કારાવદરાને તેણીના લગ્ન જીવન દરમિયાન પોરબંદર તાબેના ખાપટ વિસ્તારમાં રહેતા તેણીના પતિ રામાભાઈ મુરુભાઈ કારાવદરા, સસરા મુરુભાઈ કાનાભાઈ, સાસુ વાલીબેન તેમજ રણજીત મુરુભાઈ કારાવદરા નામના ચાર સાસરિયાઓએ શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપી અને "તું વાંઝણી છો અને વાંઝણી જ રહેવાની છો"- તેમ કહી, અત્યાચાર કરતા આ સમગ્ર બાબતે કલ્યાણપુર પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
 

ખંભાળિયાના જૂની ફોટ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર જૂની ફોટ ગામે આવેલા એક મંદિર પાસે બેસી અને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા દેવા આલા વસરા, આલા ખીમા પિંડારિયા, જયેશ એભા વસરા, વેજાણંદ ભીખા વસરા અને કરસન પાલા વસરા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. 29,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

Print