www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજયની શાળાઓમાં ખાનગી પ્રકાશકોના પુસ્તકો ભણાવવા પર અંતે લગાયો રોક


એનસીઈઆરટી-જીસીઈઆરટી માન્યતા પ્રાપ્ત પુસ્તકો-મૂલ્યાંકન પદ્ધતિને અનુસરવા શિક્ષણ વિભાગનો ઠરાવ

સાંજ સમાચાર

અમદાવાદ તા.26
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજયુકેશન નિયમ અનુસાર શાળાઓમાં એનસીઈઆરટી-જીસીઈઆરટી દ્વારા નિયત કરેલ પાઠ્ય પુસ્તકો, અભ્યાસક્રમ અને મુલ્યાંકન પદ્ધતિ અનુસરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. ઠરાવમાં શાળાઓને લઈને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

જેમાં શાળાઓએ એનસીઈઆરટી-જીસીઈઆરટી દ્વારા માન્યતા પ્રાપ્ત સામગ્રીનો જ અભ્યાસક્રમમાં ઉપયોગ કરવાનો રહેશે. માન્યતા વગરના પુસ્તકો, સ્વાધ્યાયપોથી વગેરેનો ઉપયોગ સ્કુલમાં કરી શકાશે નહીં. સ્કુલમાં ખાનગી પ્રકાશનના ઉપયોગ માટે મંજુરી મળેલી ન હોય તો તેનો પણ ઉપયોગ કરવાનો રહેશે નહીં.

બાળકો દ્વારા એનસીઈઆરટી-જીસીઈઆરટી દ્વારા માન્ય પુસ્તકો લાવવામાં આવે તો શાળા દ્વારા બાળક સાથે ભેદભાવ રાખવાનો રહેશે નહીં. જો સ્કુલ ભેદભાવ રાખશે તો તેમની સામે જુવેનાઈલ એકટ હેઠળ કાર્યવાહી કરાશે.

ભારત સરકાર દ્વારા 6થી14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે આરટીઈનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં પ્રારંભીક શિક્ષણનો અભ્યાસક્રમ અને તેના સમાપનમાં શૈક્ષણિક સતામંડળ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગણાશે તેવું જોગવાઈમાં છે. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ એકટ અંતર્ગત રાજયની પ્રાથમીક શાળાઓમાં સમાન ગુણવતાવાળું શિક્ષણ આપવા માટે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જેમાં આરટીઈ એકટ હેઠળ વ્યાખ્યાયિત તમામ શાળાઓ કેન્દ્રીય શાળાઓ/સેન્ટ્રલ બોર્ડ સાથે સંલગ્ન શાળાઓએ એનસીઈઆરટી-એસસીઈઆરટી દ્વારા આપવામાં આવેલા અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પ્રક્રિયાને અનુસરવાનું રહેશે.

જે-તે શાળાની માન્યતાની શરતો મુજબ જે અભ્યાસક્રમ ચાલતો હોય તે શાળાઓ માટે નિયત થયેલા શૈક્ષણિક સતામંડળ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલા હોય તેવી પ્રિન્ટેડ સામગ્રીનો જ ઉપયોગ કરવાનો રહેશે.

માન્યતા વગરની પ્રિન્ટેડ સામગ્રી જેવી કે પાઠ્યપુસ્તકો, પુસ્તકો, માર્ગદર્શિકા, સ્વાધ્યાય પોથી, નિબંધમાળા વગેરેનો ઉપયોગ કરી શકશે નહીં. શૈક્ષણિક સતામંડળ દ્વારા અધિકૃત કરવામાં આવેલા શૈક્ષણિક સતાધિકારી દ્વારા મંજુર થયેલા સાહિત્ય જ શાળાઓમાં વાપરવાનું રહેશે.

 

 

Print