www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માંગરોળના મુસ્લિમ યુવાનના આપઘાતના ગુનામાં પૂર્વ પાલિકા પ્રમુખ સહિત ચાર જેલહવાલે થયા


પોલીસે બનાવમાં 12 પૈકીના 4 આરોપીની ધરપકડ કરી હતી: રિમાન્ડ નામંજુર થતા આરોપીને જેલહવાલે કરાયા

સાંજ સમાચાર

(વિનુભાઇ મેસવાણિયા)
માંગરોળ, તા. 17
માંગરોળમાં અઢી માસ પહેલા મુસ્લિમ યુવાને કરેલા આપઘાત પ્રકરણમાં સુસાઈડ નોટનો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ મૃતકના પિતાની ફરીયાદના આધારે પોલીસે પૂર્વ ન.પા. પ્રમુખ, મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાન અને સાસરીયાઓ સહિત 12 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જે પૈકી ન.પા. પૂર્વ પ્રમુખ મો.હુસેન જેઠવા સહિત ચારની ધરપકડ કરી પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કર્યા છે.
શહેરમાં ચકચાર જગાવનાર પ્રકરણની વિગતો મુજબ કામનાથ રોડ પર રહેતા અને ફ્રુટનો વેપાર કરતા આલીભાઈ આમદભાઈ જેઠવાના નાના પુત્ર ફેસલ(ઉવસ.24)એ ગત તા.1/4/24ના વહેલી સવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર અર્થે તેને માંગરોળ સરકારી હોસ્પિટલે અને ત્યારબાદ જુનાગઢ રીફર કરાયો હતો. જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની અંતિમવિધિ બાદ તેના રૂમમાં રહેલા પેન્ટના ખીસ્સામાં રહેલા પાકીટમાંથી ચાર પેઈજની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પોતાના મોત માટે નવ માસથી રિસામણે રહેલી પત્ની, સાસુ, સસરા, સાળાઓ સહિતના સાસરીયાઓ તથા ઘાંચી મુસ્લિમ સમાજના આગેવાન તથા ન.પા. પૂર્વ પ્રમુખ મો.હુસેન જેઠવા ઉર્ફે ઝાલા તેમજ ઈબ્રાહીમ બખાઈ સહિતના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

પોલીસે સુસાઈડ નોટ અને અન્ય પુરાવાઓ ફોરેન્સિક લેબમાં મોકલ્યાં બાદ મૃતકે જ સુસાઈડ નોટ લખી હોવાનો અભિપ્રાય આવ્યો હતો. ત્યારબાદ મૃતક ફેસલના પિતાએ 12 લોકો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં ફેસલની પત્ની અવારનવાર રિસામણે રહેતી હોય, બંને પતિ પત્ની વચ્ચે સમાધાનની વાતો ચાલુ હતી. તે દરમ્યાન ગત તા. 23/08/23ના રોજ સાસરીયા પક્ષના દસ જેટલા લોકોએ ફેસલ સાથે ગાળાગાળી, ઝપાઝપી કરી માથાકુટ કરી હતી.

આ ઉપરાંત સમાજના આગેવાન મો.હુસેન ઝાલા તથા ઈબ્રાહીમ બખાઈ મૃતકની પત્નીને દસ લાખ રૂપિયા આપી છુટાછેડા કરવા ધમકી આપૂ હતી. ન.પા. પૂર્વ પ્રમુખે ફેસલને લીમડા ચોકમાં મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પોતાના પુત્રને અવારનવાર માનસિક ત્રાસ, હેરાનગતિ કરી મરવા મજબૂર કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે આઈસીસી 306, 387, 114 મુજબ ગુનો નોંધી મૃતકની પત્ની સુમૈયા, સાસુ હલીમાબેન, સાળા શાહીલ ઈસ્માઈલ પાટણવાળા તેમજ મો.હુસેન જેઠવા ઉર્ફે ઝાલાની અટક કરી હતી. તમામને કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે જામીન નામંજૂર કરી જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

 

Print