www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દ્વારકાની ઘડી કંપની સાથે રૂા.42 લાખની છેતરપીંડી


ટ્રાન્સપોર્ટરોએ બેગમાંથી સોડાએશ કાઢી લઇ અન્ય પદાર્થ ભેળવી આચર્યું કૌભાંડ: પોલીસમાં ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ

સાંજ સમાચાર

(કુંજન રાડીયા)
જામ ખંભાળિયા, તા.28
દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાં ટ્રાન્સપોર્ટરોના ટ્રક ચાલકો દ્વારા મિલીભગત આચરીને આશરે બે માસના સમયગાળા દરમિયાન જમ્બો બેગમાં સપ્લાય કરાતા ઓરીજનલ લાઈટ સોડાએશ કાઢીને અન્ય પદાર્થ ભેળવી કંપની સાથે રૂપિયા 41.58 લાખની છેતરપિંડી થવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ જિલ્લાના વતની અને હાલ દ્વારકા નજીકના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) ટાઉનશીપમાં રહી અને અહીં નોકરી કરતા પ્રશાંતકુમાર નર્મદાપ્રસાદ શુક્લા (ઉ.વ. 39) એ દ્વારકા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ ગત તારીખ 27 માર્ચથી તા. 16 મે સુધીના સમયગાળા દરમિયાન આર.એસ.પી.એલ. કંપની દ્વારા કાયદેસર રીતે નિયુક્ત કરેલા ટ્રાન્સપોર્ટરો હેઠળના ચાલતા ટ્રકો પૈકીના ચોક્કસ નંબર ધરાવતા જુદા જુદા ત્રણ ટ્રકો તેમજ એક ટ્રકના સંચાલકો અથવા ટ્રાન્સપોર્ટરો, માલિકો અને ભેળસેળ કરનારાઓ દ્વારા અન્ય સંડોવાયેલા માનાતા શખ્સોએ મળી અને આયોજનબદ્ધ રીતે કાવતરું રચ્યું હતું.

કંપનીના લોડિંગ પોઇન્ટમાંથી જમ્બો બેગમાં ભરીને મોકલવામાં આવેલા કુલ 140 બેગ ભરીને લાઈટ સોડાએશના જથ્થામાંથી પ્રત્યેક બેગમાંથી 15 થી 25 ટકા સુધી કંપનીનો ઓરીજનલ લાઈટ સોડાએશ કાઢી અને પ્રથમ દ્રષ્ટિએ ઓળખી ન શકાય તેવો ભળતો અને નજીવી કિંમતનો સફેદ પદાર્થ આરોપી શખ્સો દ્વારા ભેળસેળ કરવામાં આવ્યો હતો.

આમ, આરોપીઓ દ્વારા આર.એસ.પી.એલ. કંપનીના 140 જમ્બો બેગના સોડાએશને બગાડી નાખી અને કુલ રૂપિયા 41,58,530 નું કંપનીને આર્થિક નુકસાન પહોંચાડી, તેઓને સોંપવામાં આવેલી જવાબદારી સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ 406, 407, 420, 120 (બી) અને 427 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એલ.સી.બી.ના પી.એસ.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ વધારવામાં આવી છે.

Print