www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારમાં તેજી સાથે ફ્રોડ વધ્યા: ઉંચા રીટર્નની લાલચમાં ફસાતા ઇન્વેસ્ટરો


બેંગ્લોરમાં માત્ર 4 મહિનામાં 735 ઇન્વેસ્ટરો 200 કરોડમાં છેતરાયા

સાંજ સમાચાર

શેરબજારમાં થઈ રહેલી કમાણીને જોતાં શેરબજારમાં રોકાણ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. જેની સાથે છેતરપિંડી કરનારાઓ પણ સક્રિય બન્યા છે. હાલમાં જ આઈટી હબ બેંગ્લુરૂમાં સ્ટોક માર્કેટ ફ્રોડના કેસોમાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લા ચાર મહિનામાં રૂ. 197 કરોડની છેતરપિંડી થઈ છે.

બેંગ્લુરૂમાં છેલ્લા ચાર મહિનામાં શેરબજાર છેતરપિંડીના કુલ 735 કેસો નોંધાયા છે. જેમાં રોકાણ કરી આકર્ષક રિટર્નની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી છે. ઉલ્લેખનીય છે, પોલીસને એક પણ કેસ ઉકેલવામાં સફળતા મળી નથી. માત્ર 10 ટકા કેસમાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી શકી છે. છેલ્લા ચાર માસમાં બેંગ્લુરૂના લોકોએ રૂ. 195 કરોડ ગુમાવ્યા છે. 

અમદાવાદમાં રહેતા સીએ પણ સ્ટોક માર્કેટ ફ્રોડનો ભોગ બન્યા હતા. જેમાં રૂ. 1.78 કરોડના રોકાણ પર રૂ. 5 કરોડનુ રિટર્ન બતાવી ટેક્સ પેટે 18.70 લાખ ચૂકવવાનું કહી કુલ રૂ. 2 કરોડની રકમ લઈ કૌંભાંડીઓની વેબસાઈટ અને તેઓ પોતે રફુચક્કર થઈ ગયા હતા.

શેરબજારમાં છેતરપિંડીના સૌથી વધુ કેસ ફેબ્રુઆરી મહિનામાં નોંધાયા છે. સાયબર પોલીસે કેસની તપાસ માટે એક વિશેષ ટીમ બનાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, માત્ર ફેબ્રુઆરી 2024માં જ શેરબજારમાં છેતરપિંડી સંબંધિત દરરોજ 8 કેસ નોંધાયા હતા. કુલ 237 કેસમાં રોકાણના નામે લોકો સાથે 88 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

એડિશનલ જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ ચંદ્રગુપ્તાએ આ બાબતે કહ્યું કે, લોભના કારણે લોકો આ ગુનેગારોનો શિકાર બની રહ્યા છે. તેમણે કહ્યું કે છેતરપિંડીનો ભોગ બનેલા મોટાભાગના લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેઓ બજાર વિશે જાણે છે, પરંતુ વધુ રિટર્ન મળવાની લાલચે તેઓ ગુનેગારોનો શિકાર બની રહ્યા છે. 

એનએસઇ દ્વારા ચેતવણી
માર્ચ 2024માં, નેશનલ સ્ટોક એક્સચેન્જે રોકાણકારોને ચેતવણી આપી હતી કે ઘણા સાયબર ગુનેગારો મોટી નાણાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને નકલી પ્રમાણપત્રો બતાવીને રોકાણકારોને નિશાન બનાવી રહ્યા છે.

આ નકલી પ્રમાણપત્રો સેબી દ્વારા જારી કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારોને FPIsના નામે થતી છેતરપિંડી અંગે ચેતવણી આપી હતી.

 

 

Print