www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આવક ઓછી હોય કે વધુ, લોકો સોનાની ખરીદી કરવાનું ચુકતા નથી

ભારતીય પરિવારોના કુલ રોકાણમાં સોનાનો હિસ્સો 18 ટકા


અમદાવાદ આઈઆઈએમના સર્વેમાં રસપ્રદ તારણો: અર્ધા કરતાં વધુ રોકાણ દાગીનામાં થાય છે: શિક્ષિત વર્ગની સોનામાં ખરીદી વધુ: હોલમાર્ક જેવા નિયમનો છતાં 46 ટકા જવેલર્સ પર જ ભરોસો રાખે છે.

સાંજ સમાચાર

અમદાવાદ,તા.1
ભારતીયોનો સોના પ્રત્યેનો લગાવ જાણીતો છે.આવકમાં મોટી અસમાનતા વચ્ચે પણ ભારતીયોના કુલ રોકાણમાં 18 ટકા હિસ્સો સોનામાં રહ્યો છે. રિસર્ચ એન્ટરપ્રાઈઝના સહયોગ સાથે અમદાવાદ આઈઆઈએમ સ્થિત ગોલ્ડ પોલીસી સેન્ટર દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં આ રસપ્રદ ખુલાસો થયો છે. ભારતભરમાં જુદા જુદા આવકજુથ તથા અલગ અલગ શૈક્ષણીક જુથના 43000 પરિવારોનો સર્વે કરીને આ રિપોર્ટ તૈયાર કરાયો હતો.

તેમાં એવા તારણો નિકળ્યા છે કે, ઉંચી આવક ધરાવતાં ટોપ-20 ટકા પરિવારોનાં કુલ રોકાણમાં સોનાનો હિસ્સો 21 ટકા છે.જયારે આવક્માં સૌથી તળીયાના 20 ટકા લોકોના રોકાણમાં સોનાનો હિસ્સો 16 ટકા છે. ટોપ-20 ટકા આવક જુથ દ્વારા સોનાની કુલ ખરીદીમાંથી 39 ટકા ખરીદી થાય છે.જયારે બોટમ 20 ટકા લોકોની સરેરાશ ખરીદી 6 ટકા છે.

રસપ્રદ વાત એ છે કે, આવક ઓછી હોય કે 16 સોનામાં પરિવારોનું રોકાણ લગભગ એક સરખુ છે. ફીઝીકલ સોનુ ન ખરીદાતુ હોય તો પણ એક મોટા વર્ગનું રોકાણ સોનાને લગતી પ્રોડકટમાં જ થાય છે.

આ ઉપરાંત સોનામાં કુલ રોકાણમાં બાવન ટકા દાગીનામાં થાય છે સોનાની ખરીદીમાં લોકો દાગીનાને પ્રાથમીકતા આપે છે.બીજા ક્રમે સોનાના સિકકા તથા બિસ્કીટમાં 18 ટકા તથા ડીજીટલ ગોલ્ડમાં 13 ટકા રોકાણ થતુ હોય છે. સ્ટેટસ, સુરક્ષીત રોકાણ, પહેરવાની પરંપરા તથા નાણાની યોગ્ય કિંમત મળતી હોવાથી સોના તરફનો ટ્રેંડ રહે છે.

અભ્યાસમાં એવુ પણ તારણ નીકળ્યુ છે કે, શિક્ષણનું સ્તર વધવાની સાથે સોનામાં રોકાણ પણ વધતુ જાય છે. શૈક્ષણીક જ્ઞાન ન ધરાવતા લોકોનું સોનામાં રોકાણ માત્ર 10 ટકા છે. જયારે સ્નાતક સુધીનુ શિક્ષણ ધરાવનારાનું 16 ટકા તથા અનુસ્નાતકનુ 21 ટકા રોકાણ હોય છે. શૈક્ષણીક જ્ઞાનનો સૌથી મોટો પ્રભાવ પેપર ગોલ્ડમાં માલુમ પડે છે. શિક્ષિત વર્ગનું ડીજીટલ ગોલ્ડમાં રોકાણ 5.5 ટકા છે જયારે ઓછુ ભણેલા લોકોનું 0.9 થી 2.4 ટકાનું છે.

એક રસપ્રદ તારણ એવુ પણ છે કે સોનાની શુધ્ધતા જેવા પાસાઓ માટે લોકો હોલમાર્ક જેવા નિયમનો કરતા ઝવેરીઓનાં કથન પર વધુ ભરોસો રાખે છે. અનેક પરિવારો હોલમાર્ક વિશે કોઈ સમજ જ ધરાવતા ન હતા માત્ર 27 ટકા લોકો જ હોલમાર્ક સિમ્બોલ વિશે જાણકારી ધરાવતા હોવાનું અને સાત ટકા આ સરકારી સર્ટીફીકેટ પર ભરોસો ધરાવતા હોવાનું તારણ બહાર આવ્યું હતું.સોનાની શુદ્ધતા માટે 46 ટકા લોકો જવેલર્સ પર જ ભરોસો કરતા હોવાનું ખુલ્યુ છે.

27 ટકા લોકો જુનુ સોનુ વેચીને નવા દાગીના ખરીદ કરતા હોવાનું તારણ
સોનાના ભાવ નવા-નવા રેકોર્ડ બનાવે ત્યારે જુનુ સોનુ વેચવાનો ટ્રેન્ડ વધી જતો હોય છે. ત્યારે અભ્યાસમાં આ બાબતને પણ આવરી લેવામાં આવી હતી અને તેમાં એવુ તારણ નીકળ્યુ હતું કે 27 ટકા લોકો જુનુ સોનુ વેચીને નવા દાગીનાં ખરીદ કરતા હતા.મોટાભાગનાં લોકો જયાંથી નવા દાગીના ખરીદી કરતા ત્યાંજ જુનુ સોનુ વેચે છે આ સિવાય 21 ટકા લોકો અણધારી નાણાકીય જરૂરીયાતને પહોંચી વળતા હોવાનું ખુલ્યુ હતું. જીવન ધોરણ સુધારવા કે મિલ્ક્ત ખરીદી માટે સોનુ વેચતા પરિવારોની સંખ્યા 11 ટકા હતી.

Print