www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માધાપરમાં ઉદ્યોગના હેતુ માટે ફાળવાયેલ સરકારી જમીન ભાડે પધરાવી દીધી!: શરત ભંગની કલેકટરને ફરિયાદ


ગુરૂકૃપાજીનના નામે ભાગીદારી પેઢી ચલાવતા 12 ભાગીદારો સામે છેતરપીંડીનો પણ આક્ષેપ: ભાડાના હિસાબ પેટે વસુલ કરાયેલ રૂા.1.50 કરોડની રકમ વસુલ કરવા અરજદારની માંગ

સાંજ સમાચાર

રાજકોટ,તા.25
રાજય સરકાર દ્વારા માધાપરમાં ઉદ્યોગના હેતુ માટે ફાળવાયેલ જમીન ભાડે પધરાવી શરતભંગ કરાયાની ફરિયાદ ઉઠી છે. આ પ્રકરણમાં જિલ્લા કલેકટર તેમજ રાજયના મુખ્યમંત્રી અને મહેસુલમંત્રી સુધી રજુઆત પહોંચી છે.

આ મામલે અરજદારે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કરેલી રજુઆતમાં જણાવેલ છે કે માધાપરમાં સર્વે નં.111 પૈકીના પ્લોટ નં.16ની 6050 ચો.મીટર જમીન મે. અમૃતલાલ મોરારજીને દુકાન નં.3110/73થી જીનીંગ ઉદ્યોગના હેતુ માટે નવી શરતથી ફાળવવામાં આવેલ છે.

જે તેઓ ગુરૂકૃપા જીનના નામથી 12 ભાગીદારો ચલાવતા હતા. જેમાં રમેશચંદ્ર અમૃતલાલ, રજનીકાંત અમૃતલાલ, ભરતકુમાર અમૃતલાલ, ચંદ્રકાંત અમૃતલાલ, સુર્યકાંત અમૃતલાલ, મનોજ જયસુખલાલ, અલ્પેશ જયસુખલાલ, મયુર રમેશચંદ્ર, હીતેષ રમેશચંદ્ર, હીરેન રજનીકાંત, સાગર રજનીકાંત અને હરી સુર્યકાંતભાઈ (ઠે.માધાપર)નો સમાવેશ થાય છે.

તેઓએ જણાવેલ છે કે તા.10-2-2014 થી અમારા ધંધાને માટે જરૂરી હોય અમોને વિશ્વાસ આપી આ જગ્યા ભાડે આપેલ તે સમયે ફાઈલ તપાસતા આ જગ્યા સરકાર તરફથી નવી શરતમાં જગ્યા હોવાનું માલુમ પડેલ હતું.

ત્યારે અમોએ ચોખવટ કરતા 12 ભાગીદારોએ વિશ્વાસ આપેલ ત્યારે જણાવેલ કે અમોએ સરકારમાંથી જરૂરી મંજુરી લઈ લીધી છે. સરકારના નિયમો અનુસાર ફી ભરી મંજુરી લીધી છે અને ભવિષ્યમાં કોઈપણ જાતનું નુકસાન જાય તો અમો 12 ભાગીદારો તેનું વળતર-નુકશાની ચુકવી આપવાની જવાબદારી લઈએ છીએ તેમ જણાવી વધુમાં એવું પણ કહેલ કે આ જમીન આ પહેલા અન્ય ઈસમોને પણ વખતોવખત ભાડે આપેલ હતી.

અરજદારે વધુમાં એવું પણ જણાવેલ છે કે અમોએ આ જમીન વર્ષ 2019 સુધી ભાડે રાખેલ અને રૂા.1,65,000થી લઈને રૂા.2,25,000 સુધીનું એક વર્ષનું અલગ અલગ ભાડુ ભરેલ છે જેમાં કુલ આશરે રૂા.1,50,00,000 ભાડાના હિસાબના ચૂકવેલ છે.

ત્યારબાદ વર્ષ 2019માં અમોએ અનેકવાર સરકારની મંજુરીનો પત્ર માંગતા અપાયેલ નહીં. આમ અમારી સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થતા અમોએ ધંધો બંધ કરવાનું નકકી કરેલ હતું. ત્યારે અમોએ સરકારમાં જાણ કરવા અને કાયદેસર મંજુરી મેળવવાની વાત કરતા અમોને ધાકધમકી અપાયેલ હતી ત્યારે અમારા ભાગીદારો પાસે જગ્યા ખાલી કરવાનુ સોગંદનામુ બનાવી લીધેલ.

જેથી અમારે અનઈચ્છાએ કામકાજ બંધ કરી રૂા.50 લાખનો ફર્નીચર સહિતનો માલ-સામાન છોડી દેવો પડેલ. તેઓએ જણાવેલ છે કે સરકારની પુર્વ મંજુરી વગર સરકારી જમીન ભાડે આપી શકાય નહીં. આ પ્રકરણમાં પગલા લેવા તેઓએ કલેકટરને રજુઆત કરી છે.

Print