www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભલામણ જરૂરી હૈ ! સામાન્ય વ્યક્તિ પોતાની તકલીફ લઈને પોલીસ પાસે જાય એટલે રીઝલ્ટ "0”

શું રાજકોટ પોલીસે અપનાવ્યો છે નવો નિયમ ? ફરિયાદ નોંધાવવા ઉચ્ચ અધિકારી સુધી પહોંચવું ફરજિયાત !


► વકીલ પર હુમલાના બનાવમાં સીપી સુધી રજુઆત ગઈ ત્યારે આરોપી સામે કાર્યવાહી થઈ અને લોકઅપમાં નખાયો, ગુનો નોંધાયો

સાંજ સમાચાર

► ‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્ર સાર્થક કરવા એકાદ બે કિસ્સા ટાંકી દેવાય છે, જોકે, સામાન્ય લોકોને પડતી હાલાકી અધિકારી સુધી પહોંચે ત્યારે જ પગલાં લેવાતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે

► મોટા ભાગના મથકોમાં પોલીસ ઇન્સ્પેકટર મળતા નથી, મળે તો કાર્યવાહીમાં રસ નથી - કારણ :  સાહેબની ભલામણ આવે તો જ થાય કે પછી... 

► પોલીસ મથકોમાં અનેક અરજીઓ પેન્ડિંગ, સપ્તાહ તો ઠીક પખવાડિયા જતા રહે તો પણ નિકાલ નથી થતો

રાજકોટ, તા.23
પોલીસ વ્યવસ્થાને લઈ અનેક સુધારા સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. પ્રથમ મોબાઈલ ખોવાઈ જવો, વાહન ચોરાઈ જવું,વગેરે જેવા કિસ્સામાં ફરિયાદ દાખલ કરવા નાગરિકોના પગે પાણી આવી જતા હતા. પણ હવે  આવા કિસ્સામાં ઈ એફઆઈઆરની વ્યવસ્થા થઈ ત્યારથી ફરિયાદ નોંધાવી ફરજિયાત બની ગઈ છે.

જોકે, રાજકોટમાં આ સિવાયના કિસ્સામાં પોલીસનો નવો નિયમ લાગુ પડ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. કારણ કે, ફરિયાદ નોંધાવવા ઉચ્ચ અધિકારી સુધી પહોંચવું ફરજિયાત હોય તેમ દરેક બાબત અધિકારી સુધી પહોંચે પછી જ પોલીસ તેની નિયમ - કાયદા અનુસારની કામગીરી કરે છે. 

તાજેતરમાં એડવોકેટ પરેશભાઈ કુકડીયા પર હુમલાની ઘટના બની. બનાવની જાણ થતાં નામાંકિત અને કાયદાના નિષ્ણાંત વકીલો એકત્ર થયા. વકીલોમાં જણાવ્યા મુજબ પોલીસ મથક પર ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે કોઈએ ફરિયાદ લીધી ન હતી. ત્યારે દિલીપભાઈ પટેલે બનાવ અંગે સીપી સુધી રજુઆત કરી ત્યારબાદ આરોપીને લોકઅપમાં નખાયો અને ગુનો નોંધાયો હતો.

આ પ્રકારની પોલીસ કામગીરી સમાજને શુ સંદેશો આપવા માંગે છે? કોઈ પણ થાણા અધિકારીને નિયમ અને કાયદા અનુસાર કામગીરી કરવાની સત્તા અને ફરજ સોંપવામાં આવી હોય છે, પણ હકીકત અને કાગળો પર લખાયેલા કાયદાથી સ્થિતિ અલગ છે. અનેક ફરિયાદો અરજીના રૂપમાં પોલીસ મથકના કે ચોકીના કોઈ કબાટમાં દિવસો સુધી ધૂળ ખાતી હોય છે. તેવા કિસ્સા ભૂતકાળમાં પણ બન્યા છે અને વર્તમાનમાં પણ બની રહ્યા છે. સત્તાધીશો ધારે તો ભવિષ્યમાં આ અરજી પરંપરા તોડી શકે છે. 

અરજી લેવી એ કોઈ કાયદા વિરુદ્ધની પ્રક્રિયા નથી. પરંતુ તેનો નિયત સમયમાં નિકાલ ન કરવો એ નિયમ ઉલ્લંઘન છે તેવું માનવને કારણ છે. રાજકોટના પોલીસ મથકોના આંકડા બહાર આવે તો જાણ થાય કે, અનેક અરજીઓ પેન્ડિંગ પડી રહી છે. સપ્તાહ તો ઠીક પખવાડિયા જતા રહે તો પણ આ અરજીઓનો નિકાલ નથી થતો. શું આ રીતે પોલીસ નાગરિકોને ન્યાય અપાવશે?

લોકમુખે એવું અનેક વખત ચર્ચાતું હોય છે કે, જો કોઈ ભલામણ હોય તો અથવા ટેબલ પર વજન પડે તો પોલીસ ફટાફટ કામ કરે. આ ચર્ચાઓને સત્યથી વેગડી સાબિત કરવા પોલીસે કાર્ય પધ્ધતિ બદલવી ખૂબ જરૂરી છે. ડીસીપ્લીન યુનિફોર્મ પૂરતી નહીં, કામગીરીમાં અનુશાસન બને તે જરૂરી છે. ઉચ્ચ અધિકારી એટલે કે ડીસીપી કે સિપી જો ધ્યાન ન આપે ત્યાં સુધી કોઈ નાનાંમાં નાના ગુન્હામાં પોલીસ ફરિયાદીને જવાબ આપતો નથી. 

રાજકીય ભલામણ હોય તો કલાકોમાં કેસનો નિકાલ ... 
હાલમાં લોકસભા ચૂંટણી સમયે પાટીદાર સમાજમાં ગેરસમજ ઊભી થાય તે હેતુ થી એક પત્રિકા વાયરલ થઈ હતી ત્યારે ભાજપના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી, તો કલાકોની અંદર આરોપી ઝડપાયા હતા, ગુન્હો દાખલ થઈ ગયો હતો. આ જ પદ્ધતિ શું સામાન્ય લોકો માટે કેમ નથી થતી ? તેવું લોકમુખે ચર્ચા છે અને એકંદરે આક્રોશ છે. 

સાહેબ નથી...આજે નહિ મળે .. 
લોકો તેના નજીકના પોલીસ મથક પર પોતાની તકલીફ રજૂ કરવા જાય ત્યારે મોટા ભાગના મથક પર પોલીસ ઇન્સ્પેકટર હોતા નથી કે સ્ટાફ જોવા મળતો નથી. આ પણ એક મોટી સમસ્યા છે જ્યારે જે તે મથકના અધિકારી હાજર જ ન હોય, ત્યારે ન છૂટકે પોલીસ કમિશનર કચેરી જવું પડતું હોય છે. 

અરજી પ્રથાનો વિકાસ! શું આમ ક્રાઇમ રેટ ઘટશે? અનેક કિસ્સામાં ડિટેકશન બાદ જ ગુન્હો દાખલ થાય છે
થોડા સમય પહેલા રાજકોટ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર થયા. ત્યારે પોલીસ સુત્રોમાંથી એવી વાત આવતી હતી કે હવે અરજી પ્રથા અટકી જશે. નિયમ મુજબ કામ થશે. જોકે, જેમ જેમ દિવસો જતા ગયા તેમ આ અરજી પ્રથાનો વિકાસ થયો હોય તેવું ચિત્ર ઉપસવા લાગ્યું. પ્રથમ ચરણે કોઈ અરજદાર નાગરિક અરજી કરે તે સ્વીકાર્ય છે, પણ આ અરજીનો નિકાલ થવો પણ જરૂરી છે.

તપાસ ચાલુ છે, તપાસકર્તા બીજા કામમાં રોકાયેલા હતા. વગેરે કારણો ધરી નિયમ મુજબ અરજી નિકાલ નથી થતો અને અરજદાર ન્યાયથી વંચિત રહી જાય છે. આમ થવાથી પોલીસ વ્યવસ્થાનો હેતુ બર નથી આવતો.

Print