www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘રેમલ’ વાવાઝોડાથી હવામાનપલ્ટો સર્જાશે

ઉતર ભારતમાં ગરમી- દક્ષિણમાં વરસાદનો કહેર


રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ, કાશ્મીરમાં હજુ ત્રણ દિવસ ‘હીટવેવ’ની ચેતવણી

સાંજ સમાચાર

► કેરળમાં ભારે વરસાદથી 11ના મોત: સાત જીલ્લામાં એલર્ટ

 

નવી દિલ્હી તા.25
બંગાળની ખાડીમાં ઉદભવેલુ રેમલ વાવાઝોડુ આવતીકાલે મોડીરાત્રે ત્રાટકવાની શકયતા વચ્ચે દેશના અનેક ભાગોમાં હવામાન પલ્ટો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભયંકર તોફાનની ચેતવણી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના બોર્ડર વિસ્તારમાં વાવાઝોડુ રેમલ લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના સાગરકાંઠાના નીચાણવાળા ભાગોમાં પુર પરીસ્થિતિ સર્જાવાની તથા બાંગ્લાદેશના દરિયાકાંઠાના ભાગોમાં ભૂસ્ખલનની ચેતવણી છે.

રેમલ વાવાઝોડાના પ્રભાવ હેઠળ પશ્ચિમ બંગાળની આસપાસના રાજયો- વિસ્તારોમાં હવામાનપલ્ટો થવાની સંભાવના છે. બિહાર તથા ઓડિશામાં મુખ્ય અસર થશે અને ભીષણ ગરમીમાંથી રાહત પણ મળી શકે છે.

રવિવારે મોડીરાત્રે વાવાઝોડાના લેન્ડફોલના સમયગાળામાં પશ્ચિમ બંગાળ ઉપરાંત મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ મણીપુર, આસામ, મેઘાલય, અરૂણાચલપ્રદેશ, નાગાલેન્ડ જેવા રાજયોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળના સાગરકાંઠે ત્રાટકયા બાદ બાંગ્લાદેશ પહોંચશે જયાં 110થી120 કીમીના અને ઝાટકાના 135 કીમીના પવન ફુંકાશે.

બીજી તરફ ઉતર ભારત હજુ પ્રચંડ હીટવેવમાં બેહાલ જ રહ્યું છે. ઉતર પશ્ચિમ ભારત માટે આવતા ત્રણ દિવસનું રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  રાજસ્થાનનું ફલૌદી 49 ડીગ્રી તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું જયારે જૈસલમેરમાં 48.3 ડીગ્રી તથા બાડમેરમાં 48.2 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. કાશ્મીર, પંજાબ, હરિયાણામાં હજુ લૂની સ્થિતિ રહેવાની શકયતા છે. રાજસ્થાન તથા ગુજરાતના અમુક ભાગો માટે પણ રેડએલર્ટ આપવામાં આવ્યુ છે. કાશ્મીર-હિમાચલપ્રદેશમાં પણ હીટવેવની સ્થિતિ રહી શકે છે.

ઉતર ભારતમાં હીટવેવ સામે દક્ષિણ ભારતમાં વરસાદનો કહેર રહ્યો છે. કેરળમાં પ્રિ-મોન્સુન એકટીવીટી અંતર્ગત ભારે વરસાદ થયો હતો તેમાં 11 લોકોના મોત નિપજયા હતા. રાજયના સાત જીલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજયના કેબીનેટપ્રધાન કે.રાજને કહ્યું કે 9થી23 મે દરમ્યાન વિવિધ દુર્ઘટનામાં 11 લોકોના મોત નિપજયા હતા. છ લોકોના ડુબી જવાથી, બે લોકોના વિજળી પડતા એકનું મકાન ધસી જવાથી મોત નિપજયું હતું.

 

Print