www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાર્બાડોસમાં વાવાઝોડુ : ટીમ ઇન્ડિયા ફસાઇ : હવે કાલે ભારત પરત ફરશે


દિલ્હી પહોંચતા સાથે જ વડાપ્રધાનને મળશે : મુંબઇમાં રોડ-શો

સાંજ સમાચાર

બાર્બાડોસ,તા. 1
ટી-20 વર્લ્ડ કપ વિજેતા વાવાઝોડાના કારણે વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોસમાં ફસાયેલી છે. આ દરમ્યાન હવે ટીમ ઇન્ડિયા કાલે તા. રના રોજ નવી દિલ્હી પહોંચી શકશે તેવા અહેવાલ છે. બાર્બાડોસમાં ખરાબ વાતાવરણના કારણે ફલાઇટના સમયમાં ફેરફાર થઇ શકે છે.

અગાઉના કાર્યક્રમ મુજબ આજે ખેલાડીઓ ન્યુયોર્ક જવાના હતા. ત્યાંથી ફલાઇટ દ્વારા દુબઇ જવાનું છે પરંતુ આ શેડયુલ પ્રભાવિત થયો છે. અહેવાલમાં જણાવ્યું છે કે ટીમ ઇન્ડિયા કાલે પ્રાઇવેટ ફલાઇટ મારફત ભારત રવાના થશે. ભારત આવ્યા બાદ નવી દિલ્હીમાં ટીમ સીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જશે. ભારત ફાઇનલ જીત્યુ તે રાત્રે જ વડાપ્રધાને તેમને અભિનંદન આપ્યા હતા. 

બાર્બાડોસમાં હવામાન વધુ ખરાબ થઇ ગયું છે. આથી ટીમ ઇન્ડિયા મંગળવારે દિલ્હી પહોંચી શકે છે. રોમાંચક ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને શનિવારે હરાવ્યું હતું. શાનદાર ઇનિંગ રમનાર વિરાટ કોહલી મેન ઓફ ધી મેચ થયો હતો.

જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડયાની બોલીંગે પાસુ પલ્ટી નાખ્યુ હતું. સુર્યકુમાર યાદવે ડેવીડ મીલરનો પકડેલો કેચ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. પૂરા દેશમાં હજુ આ જીતની ઉજવણી ચાલુ છે. 

વડાપ્રધાને ફોન ઉપર પણ ટીમ ઇન્ડિયાના સદસ્યો સાથે વાત કરી હતી. રોહિત શર્માને શાનદાર કપ્તાની બદલ અભિનંદન આપ્યા હતા. તેમને કોહલીના યોગદાનને પણ વધાવ્યું હતું. મુંબઇમાં ટીમ ઇન્ડિયાના રોડ-શોની પણ તૈયારી થઇ છે.

ભારતે આ બીજુ ટી-20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યુ છે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલા આ વર્લ્ડ કપમાં ભારતે એક પણ મેચ નહીં હારવાનો પણ વિક્રમ બનાવ્યો છે. ભારતીય બોલર્સ અને બેટસમેન બંને ટુર્નામેન્ટમાં છવાયેલા રહ્યા હતા. દક્ષિણ આફ્રિકાની નાવ વધુ એક વખત કાંઠે આવીને ડૂબ્યાનો અનુભવ પણ તેઓની ટીમે કર્યો છે. હાર બાદ દ.આફ્રિકા ટીમ ખુબ દુ:ખી લાગી હતી.

Print