www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોડો વરસાદ પડવાની અસર: 11 ટકા જ ખરીફ પાકોનુ વાવેતર


ગત વર્ષની તુલનાએ તમામ પાકોના વાવેતરમાં 60 ટકાનો ઘટાડો: કપાસ-મગફળીમાં મોટુ ગાબડું

સાંજ સમાચાર

રાજકોટ,તા.26
ગુજરાતમાં ચોમાસુ બે દિવસથી જામી ગયુ છે. પરંતુ ગત સપ્તાહ સુધી વરસાદની મોટી ઘટ હોવાથી ગુજરાતમાં ખરીફ પાકોનુ વાવેતર સામાન્યની તુલનાએ હજુ 11 ટકા જ સંપન્ન થયુ છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે 60 ટકા જેટલો વાવેતરમાં ઘટાડો આવ્યો છે.

ગુજરાત સરકારના કૃષિ વિભાગના તાજેતરના આંકડા મુજબ રાજયમાં 24મી જૂન સુધીમાં તમામ પાકોનું કુલ વાવેતર 9.93 લાખ ફેકટરમાં થયુ હતું. જે ગત વર્ષે આજ સમયે 25.33 લાખ હેકટરમાં થયુ હતું. આમ 60 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતમાં ખરીફ સીઝનમાં કુલ વાવેતર 85.58 લાખ હેકટર સરેરાશ થાય છે. જેની તુલનાએ વાવેતર હજી 11 ટકા જ પુરુ થયુ છે.

ગુજરાતમાં મગફળીના વાવેતરમાં 65 ટકાનો ઘટાડો થઈને 3.23 લાખ હેકટરમાં વાવેતર થયુ છે. જયારે કપાસના વાવેતરમાં 56 ટકાના ઘટાડા સાથે 5.80 લાખ હેકટરમાં થયું છે.

કપાસ અને મગફળી ઉપરાંતના તમામ પાકોના વાવેતર ઘટયા છે. ખાસ કરીને જુવારના વાવેતરમાં 1 ટકાનો ઘટાડો ત્યારે બાજરીમાં નોંધપાત્ર 95 ટકાનો ઘટાડો થયો છે. કઠોળની વાત કરીએ તો મગમાં 87 ટકા અને મઠમાં 100 ટકા અળદમાં 89 ટકાનો ઘટાડો છે. તલ જેવો પાક પણ ઓછો થયો છે. ગત વર્ષે 4 હજાર હેકટરમાં વાવેતર થયુ હતુ.

આ વર્ષે 800 હેકટરમાં જ વાવેતર થયુ છે. હજુ વરસાદની રાહ છે. આગામી સમયમાં ધોધમાર વરસાદ પડશે તો સારા વાવેતરની આશા છે. આગામી સમયમાં વાવેતરમાં વધારો થાય તેવી શકયતા છે.

Print