www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં કાર ફૂલ સ્પીડે ચલાવી પાણી ઉડાડવા પ્રશ્ને ડખ્ખો: કાર ચાલક પરિવાર પર તલવાર, ધોકાથી હુમલો


એકઠા થયેલા ટોળાએ કારનો કાચ તોડી નાખી નુકશાન કર્યું : પોલીસ સ્ટેશન સામે બનાવ બન્યો: ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.26

મોરબીના સામાકાંઠે આવેલા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ઇન્દિરાનગર વિસ્તારમાં શિવમ હોસ્પિટલ પાછળના ભાગે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં સગાને ત્યાં બેસવા ગયેલ પરિવાર કાર લઈને પરત ઘરે જતો હતો.ત્યારે વરસાદના લીધે રોડ ઉપરનું પાણી ઉડવાના લીધે ઝઘડો થયો હતો અને બાદમાં 20-25 લોકોના ટોળા દ્વારા તલવાર, છરી તેમજ ધોકા જેવા હથિયારો ધારણ કરી ભયનો માહોલ ખડો કરીને કાર ઉપર હુમલો કરીને કારના કાચમાં ઇંટ મારવામાં આવી હતી.તેમજ કારમાં સવાર યુવક, તેની પત્ની અને તેની માતાને માર મારવામાં આવ્યો હતો.હાલ આ બાબતે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડ્યા હતા અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

ઉપરોકત બાબતે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા અને ભાગીદારીમાં કરિયાણાની દુકાન ચલાવતા ઉમેશભાઈ છગનભાઈ પનારા કોળી (24) તેમના પત્ની પાયલબેન ઉમેશભાઈ (21) અને તેઓના માતા સવિતાબેન છગનભાઈ પનારા કોળી (45) ઉમેશભાઈના માસી ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા હોય તેમને ત્યાં બેસવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ તા.23 સાંજના પાંચેક વાગ્યે પરત ફરતા હતા. ત્યારે વરસાદના લીધે રોડ ઉપર પડેલ પાણીમાં કાર ચાલતા પાણી ઉડવાનો બનાવ બન્યો હતો.જેમાં સામેવાળાઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને 20 થી વધુ લોકો તલવાર, છરી, ધોકા જેવા હથીયારો સાથે ઘસી આવ્યા હતા તેમ ઉમેશભાઇના ભાઇ વિજય પનારાએ જણાવુ હતુ.વધુમા વિજયભાઇના જણાવા પ્રમાણે તે ઇસમો પૈકીના એક શખ્સે ઈંટ ઉપાડીને કારના કાચમાં મારી કાચ ફોડી નાખ્યો હતો અને કારમાં સવાર ઉમેશભાઈને માર મારવામાં આવ્યો હતો.જે દરમિયાન ઉમેશભાઇને છોડાવવા વચ્ચે પડેલા તેમના પત્ની પાયલબેન અને માતા સવિતાબેનને પણ સામેવાળાઓએ માર માર્યો હતો.ઇજા પામેલ સવિતાબેન, ઉમેશભાઈ અને પાયલબેનને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ તરફથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા મારામારીના આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

►ઝપાઝપીના બનાવમાં બાળક સહિત બે ને ઇજા
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ ટીબી હોસ્પિટલના પાછળના ભાગે કુળદેવી પાનની સામે રહેતા રેખાબેન મનોજભાઈ ચાડમીયા (23) અને રાહુલ મસાભાઇ ચાડમીયા (8) ને તા.24 ના રાત્રિના આઠેક વાગ્યે તેમના કૌટુંહીક સગાને ત્યાં બોલાચાલી ઝઘડામાં ઝપાઝપી બાદ ધક્કો લાગી જતા પડી જવાથી ઇજાઓ થઈ હતી.જેથી રેખાબેન અને રાહુલને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જે બાબતે યાદી આવતા બી ડિવિઝન પોલીસે આ બાબતે આગળની તપાસ શરૂ કરી હતી.

►બાળક ઇજાગ્રસ્ત
મોરબીના માળીયા હાઇવે નવા સાદુરકા ગામ નજીક આવેલ ભરતનગર ખાતે રહેતા પરિવારનો વીર પિયુષભાઈ રાઠોડ નામનો ચાર વર્ષનો બાળક મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક પાસેથી સાયકલમાં જતો હતો ત્યારે સાયકલ સહિત નીચે પડી જતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખાનગી હોસ્પીટલે ખસેડાયો હતો.

Print