www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારત 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપના ફાઇનલમાં : ઇંગ્લેન્ડને કચડ્યું


► ભારત સતત ત્રીજી ICC ટુર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી - ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ, વન-ડે વર્લ્ડ કપ અને હવે ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં રમશે

સાંજ સમાચાર

► ભારત ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રીજી વખત ફાઇનલમાં : શનિવારે દક્ષિણ આફ્રિકા સામે રમશે 

► સેમી ફાઈનલમાં ત્રણ વિકેટ લેનાર અક્ષર પટેલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર

ગુયાના, તા. 28
ગઇકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે  ટીમ ઇન્ડિયાએ લગાન વસુલ કર્યુ હોય તેમ અંગ્રેજોને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે શનિવારે ટીમ ઇન્ડિયા દ.આફ્રિકા સામે ટકરાશે.

ભારત સતત ત્રીજી આઇસીસી ટુર્નામેન્ટના ફાઇનલમાં પહોંચ્યુ છે. ટેસ્ટ, વન-ડે અને હવે ટી-20 વર્લ્ડ કપના ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટી-20માં ભારત ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યુ છે. સેમી ફાઇનલમાં 3 વિકેટ લેનાર અક્ષર પટેલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર થયો છે. 

ઈંગ્લેન્ડે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વરસાદ બાદ રમત મોડી શરૂ થઈ હતી. ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી અને વિરાટ કોહલી માત્ર 9 રને આઉટ થયો હતો. તેના પછી ક્રિઝ પર આવેલ રિષભ પંત પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 4 રનના સ્કોર પર આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા ક્રિઝ પર રહ્યો અને ઝડપી બેટિંગ કરી. પાવરપ્લેમાં કેટલાક શાનદાર શોટ લગાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાએ 6 ઓવરમાં 46 રનનો સ્કોર હાંસલ કર્યો હતો. સૂર્યકુમાર યાદવે પણ કેટલાક શાનદાર શોટ ફટકારીને ઈંગ્લેન્ડ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. હળવા ઝરમર વરસાદ વચ્ચે મેચ ચાલી રહી હતી પરંતુ વરસાદ વધતા મેચ રોકાયો ત્યારે ભારતે 8 ઓવરમાં 2 વિકેટે 65 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 37 રનના સ્કોર પર અને સૂર્યકુમાર યાદવ 13 રન પર રમી રહ્યા હતા.

રમત ફરી શરૂ થયા પછી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે સાથે મળીને ઇનિંગને આગળ ધપાવી અને સ્કોરને 100થી આગળ લઈ ગયા હતા. રોહિત ફિફ્ટી ફટકારીને આઉટ થયો હતો. તે 39 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 57 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમારે 36 બોલમાં 47 રન બનાવ્યા હતા.

ક્રિઝ પર આવ્યા બાદ હાર્દિક પંડ્યાએ કેટલાક મોટા શોટ ફટકાર્યા હતા અને 12 બોલમાં 23 રનના સ્કોર પર આઉટ થયો હતો. જાડેજા 17 રન બનાવીને અણનમ રહ્યા હતા અને અક્ષર પટેલે 10 રન બનાવીને ભારતનો સ્કોર 7 વિકેટે 171 સુધી પહોંચાડ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ લીધી હતી.

બટલરે ઈંગ્લેન્ડ માટે શરૂઆતમાં કેટલાક સારા શોટ્સ ફટકાર્યા હતા પરંતુ તે 15 બોલમાં 23 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ એક પછી એક વિકેટો પડતી રહી. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સામે ઈંગ્લિશ બેટ્સમેનો ટકી શક્યા ન હતા.

ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ હેરી બ્રુકે 25 રન બનાવ્યા હતા અને પૂરી ઈંગ્લેન્ડની ટીમ 103 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ રમાશે.

10 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમે ત્રીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્માની કેપ્ટનશિપની ટીમે 2022 ટી-20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. ટીમ છેલ્લે 2014માં ફાઈનલમાં પહોંચી હતી.

ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની ફિફ્ટીની મદદથી ઇંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ત્યારબાદ કુલદીપ અને અક્ષરની બોલિંગના આધારે ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રન બનાવીને પેવેલિયનમાં મોકલી દીધી હતી.

કુલદીપ યાદવ અને અક્ષર પટેલે મળીને 6 બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા. જસપ્રીત બુમરાહે ફિલ સોલ્ટ અને જોફ્રા આર્ચરને આઉટ કર્યા હતા. બે બેટર્સ રન આઉટ થયા હતા.ભારત 10 વર્ષ પછી ફાઈનલમાં, 29 જૂને બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે.

Print