www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉપલેટામાંથી ઝડપાયેલા શંકાસ્પદ બિયારણની સપ્લાય જામકંડોરણા અને જૂનાગઢના વેપારીએ કર્યાનો ઘટસ્ફોટ


ઉપલેટાના પરેશ સેલારકાની પૂછપરછમાં જામકંડોરણાના પ્રશાંત વ્યાસ અને જૂનાગઢના સુભાષ ચોથાણીનું નામ ખુલ્યું : બંનેને એસઓજીનું તેંડુ

સાંજ સમાચાર

રાજકોટ, તા.23
તાજેતરમાં રાજકોટ રૂરલ એસઓજીની ટીમે શાપર અને ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં ઉપલેટામાંથી ઝડપાયેલા શંકાસ્પદ બિયારણની સપ્લાય જામકંડોરણા અને જૂનાગઢના વેપારીએ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. ઉપલેટાના પરેશ સેલારકાની પૂછપરછમાં જામકંડોરણાના પ્રશાંત વ્યાસ અને જૂનાગઢના સુભાષ ચોથાણીનું નામ ખુલ્યું હતું. બંનેને એસઓજીએ પૂછપરછ માટે તેંડુ મોકલ્યું છે.

મળતી વિગત મુજબ, રાજકોટ રૂરલ એસઓજીએ સતત બે દિવસ દરમિયાન શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સોમવારે રાજકોટના વેપારીના શાપર સ્થિત ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણની 400 થેલી મળી હતી. જે પછી પીઆઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા તેમની ટીમ સાથે ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન કોન્સ્ટેબલ રઘુભાઇ ઘેડ, ચિરાગભાઇ કોઠીવારની બાતમી આધારે ઉપલેટાની વ્રજ વિલાસ હોટલની બાજુની ગલીમાં આવેલ પરેશ વલ્લભ સેલારકા (રહે. ઉપલેટા)ના ગોડાઉનમાં દરોડો પાડતા જુદી જુદી કંપની (બ્રાંડ)ની રૂ.1,28,800ની કિંમતના બિયારણની 184 થેલી મળી હતી.

પકડાયેલ શંકાસ્પદ જણાતા બિયારણની થેલીઓ પર પીન્ક પેન્થર-3 સિલ્વર-આર રીસર્ચ હાઇબ્રીડ કોટન સીડ્સ, તેમજ પીન્ક ગાર્ડ- આઈવી એટીએમ, તથા ડોલર ફોર-જી કોટન હાઇબ્રીડ સીડસ વીથ પીન્ક ગાર્ડ આઇવી ટેક્નોલોજી પીન્ક ગાર્ડ-4, અને સંકેત ફાઈવ-જી કોટન સિડ્સ પીન્ક ગાર્ડ, તેમજ બાહુબલી પ્રીમીયમ હાઇબ્રીડ કોટન સીડસ પીન્ક ગાર્ડ-5 - મોર પાવરફુલ લખેલ હતું.

આ જથ્થો ક્યાંથી સપ્લાય થયો તે અંગે પરેશ સેલારકાની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા તેણે આ જથ્થો જામકંડોરણાના વેપારી પ્રશાંત વ્યાસ અને જૂનાગઢના વેપારી સુભાષ ચોથાણીએ સપ્લાય કર્યો હોવાનું કહેતા આ બંને વેપારીઓની પૂછપરછ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ એસઓજીએ જાણવા જોગ દાખલ કરી ખેતીવાડી વિભાગને જાણ કરી બિયારણના નમૂના લેબમાં પુથ્થુકરણ માટે મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ બિયારણની ગુણવત્તા અંગે સાચી જાણકારી મળશે.

 

Print