www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘નાગરિક બચાવો સંઘ’ સામે બદનક્ષીનો દાવો દાખલ કરી કાયદેસરના પગલા લેવાશે


કથીત સંસ્થાએ જાહેર કરેલી વિગતો બેબુનિયાદ: રાજકોટ નાગરિક સહકારી બેંક

સાંજ સમાચાર

રાજકોટ, તા.25
નાગરિક બેંક બચાવો સંઘ નામની કહેવાતી સંસ્થાએ રાજકોટ નાગરિક બેંક સાથે 25 લોન આપવામાં કરોડોની છેતરપીંડી થયાની જાહેર કરેલી વિગતો બેબુનીયાદ અને સત્યથી વેગળી છે તેમ રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જણાવાયું છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જણાવાયું છે કે આ કહેવાતી સંસ્થા ખરેખર છે કે કેમ? તે એક મોટો પ્રશ્ર્નાર્થ છે. આ કહેવાતી સંસ્થાની તા.20-5 અને તા.24-5ની યાદીમાં સંસ્થાનું સરનામુ અને મોબાઇલ નંબર તદન અલગ અલગ છે. બે-ચાર દિવસમાં જ આ સંસ્થાનું સરનામુ મોબાઇલ નંબર બદલાતા હોય તો તે ખરેખર છે કે કેમ તે તપાસનો વિષય છે.

વધુમાં આ કથિત સંસ્થા બેંકના બાકીદારો ભૂતકાળમાં સજા પામનાર પૂર્વ કર્મચારી તથા બેંકના હિત શત્રુઓની મીલીભગતથી બનેલી સંસ્થા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આ કથિત સંસ્થા કોના હિતમાં અથવા કોના દોરી સંચારથી કામ કરે છે તે તપાસનો વિષય છે. કારણ કે આ કથિત સંસ્થાની સ્થાપનાના ફકત થોડા જ કલાકોમાં બેંકની વડોદરા શાખાના મોટા ડીફોલ્ટર હોટલ ઓમ રીજન્સી દ્વારા સંસ્થાનો સંપર્ક કરવામાં આવે છે અને બેંક દ્વારા હાથ ધરાયેલ રીકવરીની પ્રક્રિયાને રોકવા માટે પ્રેશર ટેકનીકનો ઉપયોગ કરાતો હોય તેવી શંકા લાગે છે. 

આ કથિત સંસ્થાના કથિત પ્રમુખ ચંદુભા પરમાર અને તેના પરિવાર દ્વારા ભૂતકાળમાં કરોડો રુપિયાનો ચુનો લગાડવામાં આવેલ છે. તેમજ ચંદુભા પરમારને બેંક દ્વારા ભૂતકાળમાં એક થી વધુ વખત ઇજાફા રોકવાની તથા નીચલી પ્રાયોરીએ ઉતરવાની શિક્ષા પણ કરાઇ છે. 

કથિત સંસ્થાના મહામંત્રી વિબોધભાઇ જોષીને પણ તાજેતરમાં બેંક દ્વારા નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલ છે અને ભૂતકાળમાં પણ ઇજાફા રોકવાની શિક્ષા બેંક દ્વારા કરવામાં આવે છે.

આ કથિત સંસ્થાના એક હોદેદારે ભૂતકાળમાં બેંકના એક ખાતેદાર સામેની વસુલાત સામે પ્રેશર ટેકનીક ઉભી કરવાના હેતુસર ઘણા લાંબા સમય સુધી બેંક વિરુધ્ધ પોતાના અખબારમાં વિવિધ માહિતીઓ અધુરી અને અધકચરી રજુ કરી બેંકને બદનામ કરવાનો પ્રયત્ન કરેલ જેની સામે બેંક દ્વારા નોટીસ પણ ઇસ્યુ કરવામાં આવેલ હતી. બેંક દ્વારા આ કથિત સંસ્થા અને તેના હોદેદાર સામે ટૂંક સમયમાં જ બદનક્ષીનો દાવો દાખલ કરી કાયદેસરના પગલા લેવામાં આવશે.

 

Print