www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સર્વેશ્વર ચોકના વોંકળાનું કામ તત્કાલ શરૂ કરી દેવા ચૂંટણી પંચને પત્ર : શિવમ બિલ્ડીંગના ફિટનેસ સર્ટી. રજૂ


આચારસંહિતા વચ્ચે ચોમાસા પૂર્વેના આવશ્યક કામ માટે મનપાએ સરકારને પત્ર લખ્યો : બંને બિલ્ડીંગમાં રીનોવેશન જેવા કામ થઇ જતા એક બિલ્ડીંગ ખોલવા મંજૂરી : મનપા વેરીફીકેશન પણ કરશે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 25

રાજકોટમાં ગણેશ ઉત્સવ વખતે ગત ઓકટોબર મહિનામાં ડો.યાજ્ઞિક રોડ લાગુ સર્વેશ્ર્વર ચોકમાં આવેલા શિવમ બિલ્ડીંગ હેઠળનો વોંકળાનો સ્લેબ ધસી પડતા દુર્ઘટના સર્જાઇ હતી. તે બાદ વોંકળાના કારણે બિલ્ડીંગ પર સર્જાયેલા જોખમના પગલે શિવમ કોમ્પ્લેક્ષના બંને બિલ્ડીંગને સીલ મારી આડસ મુકી દેવામાં આવી છે. આ જગ્યાએ ધંધાર્થીઓએ  બિલ્ડીંગનું ફિટનેસ મેળવવા અને મનપાએ નવો વોંકળો બનાવવા બંને કામના આયોજનને 7 મહિના જેવો સમય વીતી જવા છતાં હજુ કોઇ રસ્તો નીકળ્યો નથી.

આ સંજોગોમાં હવે બંને બિલ્ડીંગના ફિટનેસ તૈયાર થતા પ્રમાણપત્ર રજૂ કરી દેનાર શિવમ-1ને ખોલવા મનપાએ મંજૂરી આપી દીધી છે. જેથી ધીમે ધીમે દુકાનો ખુલવા લાગશે.શિવમ-ર કોમ્પ્લેક્ષમાં થોડા સમય બાદ ઓફિસ અને દુકાનો ખુલે તેવી સંભાવના છે. તો બીજી તરફ આ અનિવાર્ય કામ કરવા દેવા મહાપાલિકાએ ચૂંટણી પંચ પાસે મંજૂરી માંગી છે. 

ચૂંટણી પંચે પહેલી રજુઆત વખતે  સરકારના જે તે વિભાગ મારફત રજુઆત કરવા જવાબ આપ્યો હતો. આથી મનપાએ રાજય સરકારના શહેરી વિકાસ વિભાગને પત્ર લખ્યો છે. ગણેશ ઉત્સવ વખતે શિવમ-2 કોમ્પ્લેક્ષ બહાર ખાણીપીણીની દુકાન બહારનો સ્લેબ લોકો સાથે વોંકળામાં પડયો હતો જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને બે ડઝન જેટલા લોકોને ઇજા થઇ હતી. આ ઘટનાના પડઘા ઉપર સુધી પહોંચ્યા હતા અને કોર્પો. તથા પોલીસની તપાસમાં આ વોંકળા પર સ્લેબ ગેરકાયદે બંધાઇ ગયાનું અને તેનો કોઇ રેકર્ડ પણ નહીં હોવાનું બહાર આવ્યું હતું. વોંકળાનો એક ભાગ બેસી જતા અને તેને લાગુ શિવમ-1, શિવમ-2 કોમ્પ્લેક્ષ હોવાથી સલામતી માટે મનપાએ બંને બિલ્ડીંગની તમામ દુકાન, ઓફિસ અને શોરૂમ સીલ કર્યા હતા. બંને બિલ્ડીંગ એસો.ને સલામતીના સ્ટ્રકચરલ અને ફિટનેસ સર્ટીફીકેટ રજૂ કરવા કહ્યું હતું. એકાએક પુરૂ બિલ્ડીંગ બંધ થઇ ગયું અને  કોર્પો.એ આડસ મારી દીધી છે. 

હવે મનપાએ 3.87 કરોડના ખર્ચે મેહુલ કીચનથી સામે ડો.યાજ્ઞિક રોડ તરફ આવતા ડોલ્સ મ્યુઝીયમના રસ્તા સુધી નવો વોંકળો (બોકસ કલવર્ટ) બનાવવા કામ મંજૂર કર્યુ છે. તેનો પ્લાન પણ બની ગયો છે. પરંતુ આ દરમ્યાન ચૂંટણી જાહેર થતા ચોમાસા પૂર્વેનું આવશ્યક વોંકળાનું કામ શરૂ થઇ શકયું નથી. સ્થિતિ જોતા મનપાએ ખાસ કેસમાં આ કામ કરવા દેવા ચૂંટણી પંચને રજુઆત કરી હતી. પરંતુ પંચે સરકારના વિભાગ મારફત માહિતી મોકલવા કહ્યું હતું. તેના પગલે હવે કોર્પો.એ શહેરી વિકાસ વિભાગને મંજૂરી લઇ લેવા પત્ર લખ્યો છે. જોકે હવે મત ગણતરીને 11 દિવસ રહ્યા છે ત્યારે તાબડતોબ મંજૂરી આવે તેવું લાગતું નથી. 

બીજી તરફ શિવમ-2 કોમ્પ્લેક્ષે ફિટનેસ સર્ટીફીકેટ રજૂ કરી દેતા આ બિલ્ડીંગ ખોલવાનો અભિપ્રાય આપી દેવાયો છે.શિવમ-1 વતી કોંગી નેતા અને એસો.ના અગ્રણી ડો.મહેશ રાજપૂતે કહ્યું હતું કે બિલ્ડીંગના ભાગને સંપૂર્ણ રીનોવેટ પણ કરી દેવામાં આવ્યો છે. અઢી કરોડ જેવો ખર્ચ કરી પુરૂ બિલ્ડીંગ નવું બનાવાયું છે. શિવમ-1નું ફિટનેસ સર્ટી. પણ તૈયાર થઇ જતા તુરંત કોર્પો.માં રજૂ કરાશે. આમ આ બંને બિલ્ડીંગ હવે ટુંક સમયમાં ખોલી શકાય તેવી સ્થિતિ છે. જોકે કોર્પો.ના અભિપ્રાયની પણ રાહ જોવાઇ રહી છે.  મનપા હવે વોંકળાનું કામ શરૂ કરવા સાથે બીજુ બિલ્ડીંગ ખોલવાની મંજૂરી કયારે આપે છે ? હજુ કેટલી ચકાસણી કરે છે તેના પર આ બિલ્ડીંગ ફરી કયારે ખુલશે તેનો મદાર છે.

Print