www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમદાવાદમાં મેઘરાજાની જમાવટ: સાયન્સ સિટી ગોતામાં ત્રણ કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો


31 સ્થળોએ પાણી ભરાતા અને 7 સ્થળોએ ઝાડ જમીન દોસ્ત થયા

સાંજ સમાચાર

અમદાવાદ, તા.1 
અમદાવાદમાં પણ ચોમાસું બેસી ગયુ છે અને હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ગઇકાલે વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં હતા. જો કે બપોરે 1 વાગ્યા પછી મેઘરાજાને તોફાની બેટિંગ કરતાં શહેરને પાણી-પાણી કરી નાંખ્યું હતુ.

ભરબપોરે અમદાવાદનું આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ અને 1 વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બપોરે 1 થી સાંજે 4 વાગ્યા સુધી સતત 3 કલાક પડેલા ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. એક તરફ રવિવારની રજા હોવાથી અનેક લોકો વરસાદમાં ભીંજાવા રસ્તા પર ઉતરી ગયા હતા. બીજી તરફ વરસાદના પાણીમાં ફસાઈ જવાથી અનેક વાહન ચાલકોના વાહનો ખોટકાયા હતા.

ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે શહેરના સેન્ટ ઝેવિયર્સ કોલેજ નજીક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતુ. જ્યારે બોપલમાં ક્લબ-ઘ7 રોડ પર ઓર્ચિડ સ્કાય સિટી કોમ્પલેક્સ નજીક રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો હતો. જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી.

જો વરસાદના આંકડાની વાત કરીએ તો, આજે શહેરના સાયન્સ સિટી અને ગોતા વિસ્તારમાં સૌથી વધુ 7 ઈંચ, બોપલમાં સવા 6 ઈંચ, સરખેજમાં સાડા 5 ઈંચ, નરોડામાં પોણા 5 ઈંચ, ચાંદલોડિયામાં 4 ઈંચ, જોધપુરમાં સાડા 3 ઈંચ, ચાંદખેડામાં 3 ઈંચ, ઉસ્માનપુરામાં અઢી ઈંચ, ઓઢવમાં સવા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ધોધમાર વરસાદના કારણે પાણી શહેરના મીઠાખળી, અખબારનગર, મકરબા અને ચાંદલોડિયા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી તકેદારીના ભાગરૂપે આ તમામ અંડર બ્રિજ વાહનવ્યહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે ચાર વાગ્યાની આસપાસ મકરબા અને ચાંદલોડિયાના અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ કર્યા બાદ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

આ સિવાય શહેર કંટ્રોલરૂમમાં વરસાદ સબંધિત ફરિયાદો માટે ફોન સતત રણકતો રહ્યો હતો. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં 7 ઝાડ પડ્યા હોવાની ફરિયાદ મળી હતી. આ સિવાય 31 ઠેકાણે પાણી ભરાવાની તેમજ બે જગ્યાએ ભૂવા પડવાની ફરિયાદ મળી હતી. આ સાથે જ અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 4.8 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

Print