www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દિલ્હીમાં મેઘતાંડવ: એરપોર્ટની છત તૂટી પડતા અફડાતફડી: 1નુ મોત, 6 ઘાયલ: વાહનો દટાયા


ટર્મીનલ-1 પરથી ફલાઈટ ઓપરેશન બંધ કરાયુ: પાટનગરમાં જળબંબાકારની હાલત; સર્વત્ર ટ્રાફિકજામ

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28
પાટનગર દિલ્હીમાં સિઝનની પ્રથમ મેઘસવારી જ આફત બનીને ત્રાટકી હોય તેમ ભારે વરસાદથી જળબંબાકારની હાલત સર્જાઈ હતી. ઉપરાંત દિલ્હી એરપોર્ટના ટર્મીનલ-1ની છત ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજયુ હતું અને છ લોકો ઘાયલ થયા હતા. સંખ્યાબંધ કાર કાટમાળ હેઠળ દટાઈ ગઈ હતી. અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ટર્મીનલ-1 પરથી ફલાઈટ ઓપરેશન બપોરે બે વાગ્યા સુધી બંધ કરી દેવાયુ હતું.

ભીષણ ગરમીનો સામનો કરી રહેલા પાટનગર દિલ્હીમાં ગઈકાલથી હવામાન પલ્ટા વચ્ચે આંશિક રાહત મળ્યા બાદ આજે વ્હેલી સવારથી મુશળધાર વરસાદના મંડાણ થયા હતા અને તેમાં એરપોર્ટના ટર્મીનલ-1ની છત તૂટી પડી હતી છત હેઠળ રહેલા સાત લોકો ઘાયલ થયા હતા તે પૈકીના એકનુ મોત નિપજયુ હતું. છતનો કાટમાળ એરપોર્ટમાં ખડકાયેલા વાહનો પર પડયો હતો જેના કારણે સંખ્યાબંધ કારને નુકશાન થયુ હતું.

આ દુર્ઘટનાને પગલે તુર્ત ફાયરબ્રિગેડનો કાફલો ધસી ગયો હતો અને રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ હતુ. સતાવાર વર્તુળોના કહેવા પ્રમાણે એક વ્યક્તિનુ મોત થયુ હતું. છ ઘાયલ થયા હતા. કાટમાળ હેઠળ વધુ કોઈ લોકો દટાયેલા મળ્યા ન હતા. જો કે, સંખ્યાબંધ કાર-વાહનોને ભારે નુકશાન થયુ હતુ. ધડાકા સાથે છત ધરાશાયી થતા નાસભાગ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ભાગને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.

એરપોર્ટના સૂત્રોએ કહ્યુ કે, છત ધસી પડવાના બનાવ બાદ તાત્કાલીક અસરથી ટર્મીનલ-1 પરનુ ફલાઈટ ઓપરેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ હતું. આ ટર્મીનલ પરથી ડોમેસ્ટીક વિમાનોના ઉડ્ડયનો થતા હોય છે. બપોરે બે વાગ્યા સુધી ફલાઈટ ઓપરેશન સસ્પેન્ડ કરાયુ છે. વિકલ્પમાં અન્ય ટર્મીનલોમાં ફલાઈટ સ્થળાંતરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટર્મીનલ-1ના ચેક-ઈન કાઉન્ટર પણ સુરક્ષા કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે.

એરપોર્ટ પરની દુર્ઘટના વચ્ચે ભારે વરસાદે પાટનગરમાં ઠેકઠેકાણે આફત સર્જી હતી અને જનજીવન ખોરવાઈ ગયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. તમામ માર્ગો પાણી-પાણી થઈ જવાથી જળબંબાકારની હાલત સર્જાઈ હતી.

પરિણામે ઠેકઠેકાણે ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો. લોકોને બહાર નિકળવામાં મુશ્કેલી થઈ રહી હતી. મેઘતાંડવની સ્થિતિ દિલ્હી ઉપરાંત એનસીઆરમાં પણ હતી. નોઈડામાં પણ માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા હતા. પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

હવામાન વિભાગ દ્વારા 30 જૂન સુધી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આજે ભારે વરસાદમાં વિજળીના કડાકાભડાકા સાથે તેજ પવન પણ ફુંકાયો હતો.

Print