www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાતમાં ચોમાસુ જામ્યુ: 8.50 ઈંચ સુધીનો ભારે વરસાદ


214 તાલુકામાં હળવો ભારે વરસાદ: સુરત-વલસાડ જળબંબાકાર: જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ તથા અમરેલી જીલ્લામાં પણ તોફાની મેઘસવારી

સાંજ સમાચાર

રાજકોટ તા.1
જુલાઈ મહિનાના પ્રારંભે જ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં હળવો ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરત-વલસાડ-નવસારી-ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના જલ્લાઓમાં સટોસટી બોલાવી હતી. જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ તથા અમરેલી જીલ્લામાં પણ ભારે વરસાદ ખાબકયો છે.

સ્ટેટ વેધર ઈમરજન્સી સેન્ટરના રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમિયાન રાજયના 214 તાલુકામાં સાડા આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં સાડા આઠ ઈંચ વરસાદ પડયો હતો. મહુવામાં સાત ઈંચ, બારડોલી, ઓલપાડ તથા કામરેજમાં 6-6 ઈંચ અને સુરત શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડયો હતો.

વલસાડ જીલ્લાના વાપીમાં પાંચ ઈંચ, કપરાડામાં સાડા ચાર ઈંચ, વલસાડ શહેરમાં સાડા ચાર ઈંચ વરસાદ પડયો હતો. નવસારીના ખેરગામમાં ચાર ઈંચ, નવસારી શહેર તથા ગણદેવીમાં ચાર-ચાર ઈંચ વરસાદ હતો. ભરૂચ, તાપી, અમદાવાદ, અરવલ્લી, મહેસાણા સહિતના જીલ્લાઓમાં હળવો ભારે વરસાદ નોંધાયો છે. 
ગુજરાત પર સાયકલોનિક સરકયુલેશન સહિતની વરસાદી સીસ્ટમ જામી છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદી દોર જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે 25 જીલ્લામાં વરસાદ થઈ શકે છે તેમાં દમણ, અમરેલી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે.

જયારે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની શકયતા છે.

સાર્વત્રિક વરસાદ વચ્ચે સુરત, અમદાવાદ જેવા શહેરોમાં તોફાની મેઘમહેરથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા અને જનજીવન ખોરવાયુ હતું. સુરત શહેરમાં જ 39 વૃક્ષો ધરાશાયી થયા હતા. નવસારી જીલ્લામાં બે મકાન તૂટી પડયા હતા. જલાલપોરમાં દિવાલ ધસી પડતા ચાર લોકો દટાયા હતા તેઓનું રેસ્કયુ કરાયુ હતું.

Print