www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના મચ્છુ-2 ડેમમાં વગર વરસાદે સાડા ત્રણ ફૂટ પાણીની આવક


કેનાલ મારફત નર્મદાનું પાણી છોડતા ડેમમાં આવક થઈ

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 26

મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે આ ડેમના કુલ 38 દરવાજા પૈકીના પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થઈ જતા હાલમાં ડેમમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. 

 સામાન્ય રીતે કોઈપણ વિસ્તારમાં સારો વરસાદ પડે ત્યારબાદ નદી, તળાવ તથા ડેમમાં નવા નીરની આવક થતી હોય છે જો કે, વરસાદ ન હોવા છતાં પણ પાણી આવક થાય તો ? મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં હાલમાં નવા નીરની આવક થવા લાગી છે મોરબી નજીકનો મહાકાય મચ્છ-2 ડેમ ભરાવા લાગ્યો છે. મોરબી તથા માળિયા તાલુકાને પીવા માટેનું પાણી મચ્છુ-2 ડેમમાંથી સપ્લાય કરવામાં આવે છે જોકે, આ ડેમના 38 પૈકીના પાંચ દરવાજા જર્જરિત થઈ ગયા હતા જેથી કોઈ દુર્ઘટના ન બને તે માટે તેને બદલાવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તે પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે

જેથી ડેમમાં પુન: પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં મોરબી તાલુકા, ડેમના કેચમેન્ટ વિસ્તાર કે પછી ડેમના ઉપરવાસના વિસ્તારમાં નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ હજુ સુધી વરસ્યો નથી તેમ છતાં પણ ડેમની અંદર નવા નીરની આવક થયેલ છે જેની સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ડેમના ઉપરવાસના વિસ્તારમાં વરસાદ થાય તેનું પાણી ડેમમાં આવતું હોય છે તેની સાથોસાથ નર્મદાની મચ્છુ કેનાલ મારફતે નર્મદાનું પાણી પણ મચ્છુ-2 ડેમ સુધી આવે છે

હાલમાં નર્મદાની મચ્છુ-2 ડેમ સુધી આવતી કેનાલ મારફતે જે પાણી મોકલવામાં આવે છે તેને ડેમમાં સંગ્રહ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, અત્રે ઉલેખનીય છે કે, જે તે સમયે ડેમના પાંચ દરવાજાનું રીપેરીંગ કામ કરવાનું હતું જેથી ડેમમાં રહેલ જળ જથ્થાને મચ્છુ નદીમાં છોડી દેવામાં આવ્યો હતો અને ડેમને ખાલી કરવામાં આવ્યો હતો. જોકે ડેમના દરવાજાનું રીપેરીંગ કામ પૂર્ણ થતાની સાથે જ ડેમમાં ફરી પાછું પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને જે તે સમયે ડેમમાં માત્ર ચારેક ફૂટ જેટલું પાણી હતું પરંતુ આજની તારીખે સાડા સાત ફૂટ જેટલું પાણી ડેમમાં ભરેલ છે અને આ ડેમની કુલ જળ સપાટી 33 ફૂટની છે. તેમાં હાલમાં સાડા સાત ફૂટ જેટલું પાણી ભરેલ છે અને હજુ પણ નર્મદાની મચ્છુ કેનાલ ચાલુ હોવાથી પાણીનો પ્રવાહ ડેમમાં આવી જ રહ્યો છે.

Print