www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોધરાના NEET કૌભાંડમાં વધુ શખ્સોની સંડોવણીની શંકા


સીબીઆઈએ ચાર આરોપીઓના વધુ રીમાન્ડ માંગ્યા: કોર્ટમાં દલીલો માટે દિલ્હીથી વકીલ આવ્યા

સાંજ સમાચાર

ગોધરા,તા.29
નેશનલ ટેસ્ટીંગ એજન્સી આયોજીત નીટ પરીક્ષાના બિહાર પેપર લીક કાંડ, ગોધરાના નીટ પરીક્ષા પાસ કરાવી આપવાના બહાર આવેલા કૌભાંડની તપાસ હસ્તગત કરનાર સીબીઆઈ ટીમ દ્વારા ગોધરા સબ જેલમાં કેદ પાંચ પૈકી ચાર આરોપીની વધુ પુછપરછ માટે અદાલત સમક્ષ ફર્ધર ચાર દિવસોના રિમાન્ડ અંગેની અરજી દાખલ કરવામાં આવી હતી.

આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સી.કે.ચૌહાણ સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલોના અંતે ફર્ધર રિમાન્ડની માંગનો ચુકાદો આજે આપવામાં આવશે તેવી શકયતા છે.

ગોધરા સ્થિત જય જલારામ સ્કુલના ગોધરા અને થર્મલના નીટ પરીક્ષા કેન્દ્રોમાં લાખો રૂપિયાના સોદાઓ સાથે 30 પરીક્ષાર્થીઓને ઉંચા મેરીટ સાથે પાસ કરાવી આપવાના બહાર આવેલા ષડયંત્ર સામે દેશવ્યાપી ચાલી રહેલા વિરોધના પગલે આ કૌભાંડની તપાસ સીબીઆઈના હવાલે કરાઈ હતી.

ટીમ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રની તપાસોના દસ્તાવેજી પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ એ ચોકકસ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓની સઘન પુછપરછો શરૂ કરવાના સમાંતરે નીટ પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં ઝડપાયેલા પાંચ સોદાગર આરોપીઓ પૈકી જય જલારામ સ્કુલના શિક્ષક તુષાર ભટ્ટ, આચાર્ય પુરુષોતમ શર્મા, ગોધરાના વચેટીયો આરીફ વોરા અને વડોદરાના આનંદ વિભોરની વધુ પુછપરછો માટે ગોધરા સ્થિત સેશન્સ અદાલત સમક્ષ ફર્ધર ચાર દિવસોના રિમાન્ડની માંગ કરાઈ હતી.

આ રિમાન્ડની કાયદાકીય દલીલો માટેના એડવોકેટ ધ્રુવ માલિક દિલ્હીથી ગોધરા આવ્યા હતા. આરોપીઓની વધુ પુછપરછ એટલા માટે જરૂરી છે કે, અન્ય આરોપીઓની પણ સંડોવણીઓ હોવાની શકયતાઓ દેખાઈ રહી છે.

અદાલત સમક્ષ બે આરોપીઓ આનંદ વિભોર તથા તુષાર ભટ્ટ તરીકે હાજર થયેલા વકીલ દ્વારા સીબીઆઈને કસ્ટડી આપવામાં આવે તો અમને કોઈ વાંધો નથી અને અમો પણ સહકાર આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

કૌભાંડમાં ઝડપાયેલા પાંચ પૈકી ચાર આરોપીઓને સબ જેલમાંથી ચુસ્ત બંદોબસ્ત સાથે અદાલત સમક્ષ હાજર કરાયા હતા.

Print