www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે ભોગાવા નદીના પુલ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન


સુરેન્દ્રનગરમાં બપોરે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી : સાંજ સુધી ધ્રાંગધ્રા-લખતરને બાદ કરતા 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ચોમાસુ માહોલ જામ્યો છે. શનિવારે જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો. જયારે સાંજ સુધીમાં ચોટીલામાં 1 ઈંચથી વધુ અને વઢવાણ-સાયલા તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. ધ્રાંગધ્રા અને લખતર તાલુકાને બાદ કરતા દરેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે સતત બીજા દિવસે ઝાલાવાડમાં ચોમાસુ જામ્યુ હોય તેમ સવારથી આકાશમાં સુર્યનારાયણના દર્શન થયા ન હતા અને બપોર પછી જિલ્લામાં વરસાદનું આગમન થયુ હતુ. જેમાં ચોટીલા તાલુકામાં બપોરના રથી સાંજના 6 દરમિયાન 29 મીમી એટલે કે, 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

જયારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં 23 અને સાયલામાં 20 મીમી દિવસ દરમીયાન નોંધાયો છે. વરસાદી વાતાવરણ અને વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરેન્દ્રનગર શહેરમાં આવેલ જોરદાર વરસાદી ઝાપટાને લીધે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. 

જેમાં તાજેતરમાં નવા બનેલા જિલ્લા પંચાયત પાસેના ભોગાવા નદીના પુલ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. વરસાદી ઝાપટા અને ધીમી ધારના વરસાદથી ખેડુતોમાં આનંદ ફેલાયો હતો. ઝાલાવાડમાં આજે તા. 30મી જુનના રોજ પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદથી આગાહી વ્યકત કરી છે. 

ખેંગારિયા સીમમાં વીજળી પડી
પંથકમાં  વરસાદ વરસતા નળકાંઠા વિસ્તારના ખેંગારીયા ગામની સીમમાં વીજળી પડતા ભાઈમલભાઈ લાલજીભાઈ નામના ખેડુતને ઝાર લાગતા ગંભીર દાઝી ગયા હતા.ખેડુતને તાબળ તોબ વિરમગામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાઈમલભાઇ બપોરે ખેતરે ચાલતા જઈ રહ્યા હતા ગાજવીજ સાથે વરસાદ થતા જોત જોતામાં કડાકા સાથે તેમનાથી થોડે દુર આકાશ માંથી વીજળી પડી હતી.જેની ઝાર ખેડુતને લાગી હતી.સદનસીબે બીજા એક કુટુંબી ખેતરમાં ટ્રેકટર હંકારતા હતા જેમનો બચાવ થયો હતો અને દાઝી ગયેલા ભાઈમલભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના આઠ તાલુકામાં અડધાથી એક ઈચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ધ્રાંગધ્રા અને લખતર તાલુકા કોરાધાકોર રહેવા પામ્યો હતો. જેનાથી -બે લાખથી વધુ હેક્ટરમાં વાવેતર કરાયેલા કપાસ, સહિતના પાકોને જીવતદાન મળ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં  બપોર બાદ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જેનાથી ભારે ગરમી અને બફારામાંથી લોકોને આંશિક રાહત મળી હતી. જિલ્લામાં બે લાખ હેકટર કરતા વધુ જમીનમાં કરવામાં આવેલા કપાસ, મગફળી સહિતના પાકને વરસાદને લઈને જીવતદાન મળ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા અને લખતર સિવાય તમામ તાલુકાઓમાં વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જાણે સંતાકુકડી રમતી તેમ જિલ્લામાં હાથતાળી આપીને જતો રહેતો હતો. તેવામાં શનિવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ તેમજ ગ્રામ્ય વિસ્તારોમા અડધાથી લઈ એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં બે લાખ હેકટર કરતા વધુ જમીનમાં કપાસ, મગફળી, એરંડા, ઘાસચારો અને શાકભાજી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

એમાંય ખાસ કરીને કપાસ અને મગફળીના પાકને પિયતની તાતી જરૂરિયાત હતી. તેવા સમયે જ વરસાદ ન થતાં જિલ્લાના ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યા હતા. તેવામાં શનિવારે જિલ્લામાં વરસાદનું આગમન થતાં કપાસ અને મગફળી સહિતના પાકોને જીવતદાન મળ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકાઓ પૈકી ધ્રાંગધ્રા અને લખતર તાલુકા સિવાય તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેના લીધે ખેડૂતો અને જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. અને આ વરસાદથી -બે લાખથી વધુ હેક્ટરમાં વાવેતર કરાયેલા કપાસ, સહિતના પાકોને જીવતદાન મળ્યું હતું.

વરસાદમા 14 ટકાની ઘટ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે તા.29 જૂન સુધીમાં સીઝનનો કુલ વરસાદ 1442 મીમી નોંધાયો હતો, જે જિલ્લાના કુલ વરસાદના 24.5 ટકા જેટલો હતો. જ્યારે ચાલુ વર્ષે અત્યારે સુધીમાં માત્ર 612 મીમી વરસાદ છે. આમ ગત વર્ષની સરખામણીમાં 14 ટકા જેટલા વરસાદની ઘટ નોંધાઈ છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયો હજુ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે.

હજુ સુધી વાંસળ ડેમ સિવાય અન્ય કોઈ ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક જોવા મળી નથી. ત્યારે આગામી સમયમાં જે સારો વરસાદ નહીં થાય તો જિલ્લામાં જળાશયો ખાલીખમ રહે તેવી સ્થિતિ સર્જાવાના પણ એંધાણ છે.

Print