www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વ્યવસાય વેરો વસૂલવા તમામ શાખાઓને ખાસ જવાબદારી સોંપતા મ્યુનિસિપલ કમિશ્નર


કોઇપણ વ્યવસાયિક સંબંધિત કામો સબબ મહાપાલિકા ખાતે આવે ત્યારે તે વ્યવસાય વેરો ભરે છે કે કેમ તેની ખાસ ચકાસણી કરવા તમામ શાખાઓને આદેશ અપાયો: ખાસ પરિપત્ર જાહેર કરાયો

સાંજ સમાચાર

રાજકોટ, તા.30
રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર દ્વારા હાલમાં જ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મ્યુનિ. કમિશનરે મહાનગરપાલિકાની તમામ મહત્વની શાખાઓને વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) સંબંધીત વ્યવસાયકાર ભરે છે કે નહીં તે અંગેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

મ્યુનિ. કમિશ્નરે દરેક શાખાઓ જેમ કે ટાઉન પ્લાનીંગ, ફુડ શાખા, આરોગ્ય શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, શોપ શાખા, વોટર વર્ક્સ શાખા, મીલ્કત વેરા શાખા, ઓડિટ શાખા, હિસાબી શાખા તથા ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ લીગલ/આઇટી-લેબર વિભાગ તથા તાંત્રીક શાખાને વ્યવસાય વેરા અંગેની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ શહેર ખાતે વ્યવસાય કરતાં એકમ વ્યકિત, પેઢીઓ, સંસ્થાઓ વિગેરેને વ્યવસાય વેરા માટે નોંધણી કરવાની રહે છે. જે અંતર્ગત રાજકોટ શહેર ખાતે વ્યવસાય કરતાં સ્વતંત્ર વ્યકિતઓ તથા તથા આઉટ સોર્સીંગ એજન્સી અને કોન્ટ્રાક્ટરો વ્યવસાય વેરો ભરવાને પાત્ર થાય છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શાખાઓ અરજી મુજબ પરવાનો/મંજુરી / લાયસન્સ પણ આપવામાં આવે છે.

આ સમગ્ર કામગીરી વ્યવસાય અનુલક્ષીએ હોય ત્યારે વ્યવસાય વેરાની જોગવાઇ મુજબ જે તે અરજદાર, એકમ, આસામી અને વ્યવસાય વગેરે વ્યવસાય વેરા નોંધણી પાત્ર બને છે. 

ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઉપરોક્ત તમામ શાખાઓને ખાસ પરિપત્ર કરી કોઇ એકમ વ્યકિત, પેઢી, સંસ્થા કે કોન્ટ્રાક્ટર દ્વારા મહાનગરપાલિકા દ્વારા ખાતે કોઇપણ અરજી કરવા આવે ત્યારે સંબંધિત વ્યવસાયિક દ્વારા વ્યવસાય વેરો ભરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવા ખાસ સુચના આપવામાં આવેલ છે.

જો કોઇ વ્યવસાય વેરો ન ભરતા હોય તો તુરંત જ તેઓને વ્યવસાય વેરો ભરપાઇ કરવા અંગે પણ સૂચના આપવા મ્યુનિ. કમિશનરે જણાવેલ છે. આ ઉપરાંત ટેન્ડર બહાર પાડવાથી લઇ એજન્સી દ્વારા કામગીરી સબબ બીલ રજુ થયાના સંપૂર્ણ સમયગાળા દરમ્યાન એજન્સી દ્વારા વ્યવસાય વેરો ચૂકતે કરેલ છે કે કેમ તેની પણ ચકાસણી કમિશનરે સુચના આપેલ છે.

Print