www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘NEET’ પેપરલીક કાંડમાં ભાજપ - જેડીયુ નેતાના નામ ફૂટ્યા: ભ્રષ્ટ નાણા ચૂંટણીમાં ઠલવાયા


આરોપીઓ પક્ષના હોદ્દેદાર: મુખ્યમંત્રી સાથેના ફોટા વાઇરલ: જવાબદારોને છાવરવાનો આરોપ

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.26
મેડિકલ કોલેજોમાં એડમિશન માટેની NEETનાં પેપર એક-બે નહીં પણ પાંચ રાજ્યોમાં ફૂટયાં હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવતાં પહેલા લેવાયેલી પરીક્ષા રદ કરીને આખી પરીક્ષા નવેસરથી લેવાની માગ બુલંદ બની છે.

આ પેપર લીકમાં બિહાર ભાજપ અને જેડીયુના નેતાઓના ખાસ માણસોનાં નામ એક પછી એક ખૂલી રહ્યાં છે. આ કારણે શિક્ષણ મંત્રાલય પેપર લીક કૌભાંડીઓને છાવરી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પેપર ફોડીને કરાયેલા ભ્રષ્ટાચારનાં નાણાં લોકસભાની ચૂંટણીમાં વપરાયાં હોવાનોં પણ આક્ષેપ થયો છે.

નીટ પેપર લીક કૌભાંડનો સૂત્રધાર સંજીવ મુખિયાનો પુત્ર શિવ ડોક્ટર છે જ્યારે અન્ય આરોપી સિકંદર યાદવની દીકરી અને જમાઈ પણ ડોક્ટર છે. આ બંને કૌભાંડ દ્વારા એડમિશન મેળવીને તો ડોક્ટર નથી બન્યાં ને એ સવાલ ઉઠયો છે. ડો. શિવ આ કેસમાં સંડોવાયેલો હોવા છતાં તેને બારોબાર જામીન મળી જતાં નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન બંને શંકાના દાયરામાં છે.

નીટ પેપર લીક કાંડનો બીજો સૂત્રધાર અમિત આનંદ બિહાર ભાજપના દિગ્ગજ નેતા ડો. સંજય જયસ્વાલનો કાર્યાલય મંત્રી છે. તેની પણ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથેની તસવીરો વાયરલ થઈ છે. 

સંજીવ મુખિયાની પત્નિ મમતાની બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથેની તસવીરો વાયરલ થઈ છે. મમતા 2020માં ચિરાગ પાસવાનનની લોક જનશક્તિ પાર્ટીનાં ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડયાં હતાં. સંજીવ મુખિયા અને મમતા ચિરાગ પાસવાનના ઘરે ગયેલાં તેની તસવીર પણ વાયરલ થઈ છે. સંજીવ મુખિયાએ બિહારમાં શિક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક કર્યું હોવાનું કહેવાય છે.

નીટ પહેલાં મેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટે ઓલ ઈન્ડિયા પ્રી-મેડિકલ ટેસ્ટ લેવાતી હતી. એ વખતે સીબીએસઈ તેનું આયોજન કરતી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેમના કાર્યકાળના પહેલા જ વરસમાં આ પેપર ફૂટી ગયું હતું.

2015માં 3 મેના રોજ 1050 સેન્ટરો પરની પરીક્ષા લેવાઈ હતી. એ પછી AIPMTનું પેપર ફૂટી ગયું હોવાની ખબર પડી હતી પણ સીબીએસઈ પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવા તૈયાર નહોતી તેથી સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી.  

સીબીએસઈની દલીલ હતી કે, માત્ર 44 વિદ્યાર્થીઓએ પેપર ફૂટયું તેનો લાભ લીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ત્યારે 6.3 લાખ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાની ફરજ ના પાડી શકાય. સુપ્રીમ કોર્ટે સીબીએસઈની દલીલ ફગાવી દઈને 15 જૂને પરીક્ષા ફરીથી લેવાનો આદેશ આપ્યો હતો. 

 

Print