www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાનૂની ચુકાદા સામે અપીલમાં જવાબમાં અધિકારીઓની બેદરકારી નહીં ચાલે: લિટીગેશન પોલિસીમાં ફેરફાર


કેબીનેટની બેઠકમાં નિર્ણય: કમિટીની રચના: સમય, નાણા અને શકિતનો બચાવ થશે-ઋષિકેશ પટેલ

સાંજ સમાચાર

ગાંધીનગર તા.26
ગુજરાતમાં 2011થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલિસીમાં હવે રાજય સરકાર દ્વારા કેટલીક જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. આ માટે સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાતા વિવિધ ચુકાદા સંદર્ભે હાલ રાજયની જે ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલિસી (નીતિ) છે, તેની સરકાર દ્વારા વખતો વખત સમીક્ષા કરવામાં આવી છે

પરિણામે, સરકારને હાલની આ નીતિમાં કેટલાક સુધારાઓ કરવાની જરૂરિયાત-આવશ્યકતા જણાઈ આવી છે.  આ વખતે 26મી, 27 અને 28ના 3 દિવસ માટે શાળા-પ્રવેશોત્સવ, કન્યા કેળવણીની શરૂઆત થવાની છે અને એમાં મુખ્યમંત્રી, મુખ્ય સચિવથી લઈ તમામ મંત્રીઓ, પદાધિકારીઓ, આઈએએસ- આઈપીએસ અને અન્ય ઓફિસરો પણ તેમાં જોડાવાના હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને 25મીના મંગળવારે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી.

કેબિનેટની બેઠક બાદ રાજય સરકારના પ્રવકતા-આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે જણાવ્યું કે, રાજય સરકારે હાલમાં અમલી ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલિસીમાં કેટલીક જોગવાઈનો ઉમેરો કર્યો છે. તેમાં ખાસ કરીને આકાઉન્ટિબિલિટી એટલે કે અધિકારીની જવાબદારી નકકી કરવા જોગવાઈ ઉમેરી છે.

અપીલમાં વિલંબ અટકાવવાની જોગવાઈ અંતર્ગત જયારે કોઈ ચુકાદો રાજયની કોઈ પ્રવર્તમાન નીતિને અસર કરતા હોય ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવી તેની જોગવાઈ ઉમેરવામાં આવી છે.

અત્યાર સુધી એવું થતું આવ્યું હતું કે, રાજય સરકાર સામે કોઈ કેસ હોય કે સરકારે કોઈની સામે કેસ કર્યો હોય કે રાજય સરકારને કોઈ ચુકાદા સામે અપીલમાં જવાનું થતું હોય અને તેના ગુણદોષ જોતાં રાજય સરકાર માટે તે કેસ મજબૂત પણ જણાતો હોય, પરંતુ આવા ઘણાખરા કેસોમાં રાજય સરકારના જે તે અધિકારીઓ દ્વારા જે તે કારણોસર બેદરકારી દાખવવામાં આવતી હોય છે.

કમિટીનું ગઠન
ઘણીવાર સરકાર સામેના ચુકાદામાં અપીલમાં જવા માટે પણ ઘણો વિલંબ થતો હોય છે. તેને પણ અટકાવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે અને તેના અંતર્ગત જયારે કોઈ ચૂકાદો રાજયની કોઈ પ્રવર્તમાન નીતિને અસરકરતાં હોય ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવી? તેની પણ જોગવાઈ ઉમેરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં રાજય સરકાર દ્વારા મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક કમિટીનું ગઠન કરાયું છે. જેનો નિર્ણય આખરી ગણવાનું નકકી કરાયું છે.

Print