www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજથી નવા ફોજદારી કાયદા લાગુ : દિલ્હીમાં પ્રથમ કેસ નોંધાયો


દેશમાં ભારતીય ન્યાયસંહિતાનો અમલ શરૂ થયો : રાજધાનીમાં રેલ્વે સ્ટેશન પાસે દબાણ કરનાર ફેરીયા સામે કલમ 173 હેઠળ કાર્યવાહી : અંગ્રેજોના કાયદામાંથી મુક્તિ

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 1
ભારતમાં આજથી નવી ભારતીય ન્યાયસંહિતા (ન્યુ ક્રિમીનલ લોઝ) લાગુ થઇ ગઇ છે. તે અંતર્ગત રાજધાની દિલ્હીમાં રેંકડીનું દબાણ કરનાર સામે કલમ 173 હેઠળ સૌપ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અંતગર્ત સેન્ટ્રલ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં નવા કાયદા મુજબ  આજે પ્રથમ એફઆઇઆર નોંધાઇ છે. મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમે જોયું હતું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક વ્યક્તિ રસ્તા વચ્ચે રેકડી લગાવી છે. તેના પર પાણી અને ગુટખા વેચી રહ્યો છે. તેના લીધે લોકોને અવર-જવરમાં સમસ્યા ઉભી થઇ રહી છે. ત્યારબાદ પોલીસે આ વ્યક્તિ વિરૂદ્ધ બીએનએસ અંતગર્ત પ્રથમ એફઆઇઆર નોંધી છે. 

દેશમાં અગાઉ અંગ્રેજો વખતના કાયદા લાગુ હતા હવે આજથી દેશ પોતાના કાયદા મુજબ ચાલશે. ત્રણ નવા કાયદા આવ્યા બાદ અનેક કલમો બદલાઇ ગઇ છે. ન્યાયસંહિતા 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ ર0ર3 અને ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા 2023એ આઇપીસી અને સીઆરપીસીની જગ્યા લીધી છે. આજથી જે પણ ગુનો નોંધાશે એ નવા કાયદા હેઠળ નોંધવામાં, સાંભળવામાં અને ચલાવવામાં આવશે.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજમાં દબાણ કરીને રેંકડીધારક દબાણ કરતો હોય, કલમ 173 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત 285 હેઠળ પણ આરોપ મુકવામાં આવ્યો છે. એફઆઇઆરમાં જણાવ્યા મુજબ આરોપી મુખ્ય રોડ પર રેંકડીમાં તમાકુ ઉત્પાદન અને પાણી વેંચી રહ્યા હતા. તેનાથી રાહદારીઓને મુશ્કેલી પડતી હતી. પોલીસે આ ફેરીયાને સુચના આપી હતી પરંતુ તેનું પાલન ન કરતા ગુનો નોંધવામાં આવ્યો છે. 

બીએનએસમાં 358 કલમ છે. જે આઇપીસીમાં રહેલી 511થી ઓછી છે. 21 નવા ગુના દાખલ કરવામાં આવ્યા છે. 41 ગુના માટે જેલવાસની મુદ્દત વધારી દેવામાં આવી છે. 82 ગુના માટે દંડ વધારાયો છે. 25 ગુનામાં ઓછામાં ઓછી સજા અને છ અપરાધોમાં સામુદાયિક સેવા શરૂ કરવામાં આવી છે. 19 કલમો દુર કરવામાં આવી છે.

બીએનએસએસમાં સીઆરપીસીમાં 444ની સરખામણીએ 531 કલમો છે. જેમાં 177માં ફેરફાર, 9 કલમો અને 39 પેટા કલમો ઉમેરવામાં આવી છે. 14 કલમ દુર કરવામાં આવેલ છે. 

ગૃહમંત્રી અમિત શાહે 3200 સુચનોની તપાસ કરવા માટે 158 મીટીંગ કરી હતી. તે બાદ આધુનિક કાયદાનો મુસદો તૈયાર કરવામાં આવ્યો હતો. જેનાથી ભારતીય ન્યાયપ્રણાલી આધુનિક બનશે તેવું માનવામાં આવશે. વિધેયકોને સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યા હતા અને મોટા ભાગની ભલામણોને સરકારે સંસદમાં રજુ કરતા પહેલા બહાલી આપી હતી.

નવી દિલ્હીના પ્રથમ કેસ પર નજર કરીએ તો પોલીસે ઘણીવાર રેકડી લગાવીને વેચાણ કરનાર વ્યક્તિને ત્યાં હટી જવા માટે કહ્યું, જેથી રસ્તો સાફ થઇ જાય અને લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય. જોકે તે પોલીસકર્મીની વાતને નજરઅંદાજ કરતો રહ્યો અને તેને મજબૂરી કહી અને ત્યાં જતો રહ્યો હતો.

ત્યારબાદ પોલીસે તેનું નામ અને સરનામું પૂછીને નવા કાયદા બીએનએસની કલમ 285 અંતગર્ત એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આ કાયદા અંતગર્ત નોંધવામાં આવેલી પ્રથમ એફઆઇઆર છે. 

 

Print