www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હવે હીટવેવમાં આંશિક રાહત: તાપમાન 2થી3 ડીગ્રી ઘટશે: તેજ પવન ફુંકાશે


► જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: તાપમાન 41થી44 ડીગ્રીની રેન્જમાં આવી જશે, પવનની ગતિ 20થી40 કીમીની રહેવાની સંભાવના: કાલથી વાદળો દેખાશે

સાંજ સમાચાર

રાજકોટ,તા.25
હીટવેવની સ્થિતિનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર-ગુજરાતને હવે આકરા તાપમાનમાં આંશિક રાહત મળવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. જો કે, 20થી 40 કીમીનો પવન ફુંકાવાની શકયતા છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યુ હતું કે, છેલ્લા કેટલાંક દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં અનેક શહેરોમાં હીટવેવની પરીસ્થિતિ જોવા મળી હતી. ગુરૂવારે પણ કેટલાંક શહેરોનુ તાપમાન નોર્મલ કરતા બે થી ચાર ડીગ્રી ઉંચુ રહ્યુ હતું. અમદાવાદનું મહતમ તાપમાન 45.5 ડીગ્રી નોંધાયુ હતું તે નોર્મલ કરતા ચાર ડીગ્રી વધુ હતું.

ગાંધીનગરનું 45.5 ડીગ્રી મહતમ તાપમાન નોર્મલ કરતા 3 ડીગ્રી વધુ હતું. ડીસાનું મહતમ તાપમાન 44.8 ડીગ્રી તથા વડોદરાનું 44 ડીગ્રી હતું તે નોર્મલ કરતા 4 ડીગ્રી ઉંચુ હતું. સુરેન્દ્રનગરમાં 44 ડીગ્રી તાપમાન નોર્મલ કરતા 1.5 ડીગ્રી વધુ, અમરેલીનુ 43.8 ડીગ્રી નોર્મલ કરતા 3 ડીગ્રી વધુ અને રાજકોટનુ 42.7 ડીગ્રી નોર્મલ કરતા 2 ડીગ્રી વધુ રહ્યું હતું.

તા.25થી31 મે સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં મહતમ તાપમાનની રેન્જ 44થી46.9 ડીગ્રી નોંધાઈ હતી તેમાં હવે સરેરાશ 2થી3 ડીગ્રીનો ઘટાડો થવાની અને હવે 41થી44 ડીગ્રીની રેન્જમાં આવી જવાની સંભાવના છે. આગાહીના સમયગાળામાં પવનનું જોર રહેવાની શકયતા છે.

પવન મુખ્યત્વે પશ્ચિમી તથા દક્ષિણ પશ્ચિમી દિશાના હશે પરંતુ તેની ગતિ 20થી30 કિલોમીટરની હશે જયારે ઝટકાના પવનો 40 કી.મી.ની તેજ ગતિએ ફુંકાશે. 31મી મે સુધીમાં કેટલાંક દિવસો દરમ્યાન આકાશમાં વાદળો પણ છવાશે. રવિવારથી વધુ વાદળો જોવા મળી શકે છે.

બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બની: વાવાઝોડામાં પરિવર્તિત થશે
બંગાળની ખાડીમાં આકાર પામેલુ હવાનુ હળવુ દબાણ ડીપ ડીપ્રેસનમાં ફેરવાઈ જ ગયુ છે અને હવે વધુ મજબૂત થઈને આવતા 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જવાનું અનુમાન છે. આ વાવાઝોડાની દીશા ઉતર તરફની છે અને પશ્ર્ચીમ બંગાળ તથા બાંગ્લાદેશની બોર્ડર વિસ્તારમાં ટકરાવાની સંભાવના છે. બે દિવસે લેન્ડફોલ થઈ શકે છે.

Print