www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખાટી છાસ પાકના રક્ષણ માટે અકસીર ઉપાય


હસનાવદરનાં ખેડૂતે કરેલો પ્રયોગ સફ્ળ: છાસની દુર્ગંધથી જનાવરો પાકથી દુર ભાગવા લાગ્યા

સાંજ સમાચાર

વેરાવળ,તા.26
રઝડતાં અને રખડતાં જંગલી પશુઓના કારણે કૃષિ પાકોને પારાવાર નુકસાન થતું હોય છે. આ ઉપદ્રવને અટકાવવા માટે ખેડૂતો અવનવા પ્રયોગો કરે છે. ઘણાંમાં સફળ થાય છે અને ઘણાંમાં સફળતા મળતી નથી.

પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો અને બીનજરૂરી દવાઓનો ઉપયોગ ન કરીને કુદરતી ઉપચાર દ્વારા સમસ્યાનો હલ આવે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવે છે. તેવા જ એક પ્રયત્નમાં વેરાવળ તાલુકાના હસ્નાવદર ગામના પ્રતાપભાઈ બારડે તેમના ખેતરમાં પાકના રક્ષણ માટે ખાટી છાશના ઉપયોગનો આગવો પ્રયાસ કર્યો છે. જેમાં તેમને વ્યાપક સફળતા મળી છે.

તેમના ખેતરમાં પાકના રક્ષણ માટે ખાટી છાશનો છંટકાવ કરે છે. આ છાશની ભયંકર દુર્ગંધથી જંગલી જાનવરો તેમના ખેતરમાં પ્રવેશતા નથી અને તેમના પાકનું આપોઆપ રક્ષણ થાય છે. આ પાકના રક્ષણ માટે કોઈ વિશેષ દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી કે પાકના રક્ષણ માટે કોઈ વિશેષ ખર્ચની જરૂરિયાત પડતી નથી.

પ્રાકૃતિક ખેતી કરતા પ્રતાપભાઈએ જણાવ્યું હતું કે, જંગલી જાનવરો જેવા કે ભૂંડ, રોઝ સહિતના જાનવરોનો અસહ્ય ત્રાસ હતો. આ જાનવરોથી મારા ઉભા પાકને નુકસાન થતું હતું. 

જંગલી જાનવરોને અટકાવવા માટે વાડ-વંડીઓ તેમજ શેઢાની ફરતે ફેન્સીંગ લગાવવા સુધીના પ્રયત્નો કર્યા પરંતુ તેમને સંપૂર્ણ પણે અટકાવવામાં સફળતા મળી નહોતી. પરંતુ જ્યારથી મેં ખાટી છાશનો પ્રયોગ શરૂ કર્યો છે. ત્યારથી મારા ખેતરમાં આ જાનવરો આવતા બંધ થઈ ગયાં છે.  

 

Print