www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહિલા આઈપીએસ અધિકારીના પતિ પાસેથી 150 કરોડના પ્રોપર્ટી દસ્તાવેજ મળ્યા


આવકવેરા ફ્રોડ કેસમાં તપાસ દરમ્યાન દલ્લો મળ્યો: ધરપકડ

સાંજ સમાચાર

મુંબઈ,તા.25
આવકવેરા રીટર્નમાં 263 કરોડના ફ્રોડને લગતા કેસમાં એનફોર્સમેન્ટ વિભાગે મહારાષ્ટ્રના આઈપીએસ અધિકારીના પતિના નિવાસેથી 150 કરોડથી વધુના સંપતિ દસ્તાવેજો જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી. કોલાબા સ્થિત આઈપીએસ અધિકારીના સતાવાર નિવાસે દરોડા પાડવામાં આવ્યા હતા તે પછી મહિલા અધિકારીના પતિની ધરપકડ કરાઈ હતી.

દરોડા કાર્યવાહી દરમ્યાન મુંબઈ તથા થાણેમાં 14 ફલેટના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ સિવાય મુંબઈ તથા પુનામાં ડેવલપમેન્ટ અધિકારી ટ્રાન્સફર કરતા દસ્તાવેજો પણ મળ્યા હતા. પકડાયેલી સંપતિની કિંમત 150 કરોડથી વધુની થાય છે. આ સંપતિ દસ્તાવેજો જુદા-જુદા નામના હોવા છતાં મહિલા અધિકારીના પતિએ અન્યોના નામો બેનામી મિલ્કતો એકત્રીત કરી હોવાની શંકા છે.

મહિલા આઈપીએસ અધિકારીના પતિ પરસોતમ ચવાણની મની લોન્ડરીંગ ધારા હેઠળ આવકવેરા ફ્રોડના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આવકવેરા કેસમાં મદદ કરવા તેણે અન્ય આરોપી પાસેથી 12 કરોડ રૂપિયા લીધા હતા. આ કેસમાં અગાઉ પણ ચાર શખ્સોની ધરપકડ થઈ હતી.

આવકવેરા વિભાગ પાસેથી બનાવટી-છેતરપીંડી આચરીને 263.95 કરોડનું ટીડીએસ રીફંડ લેવાના આ કેસમાં પરસોતમ ચવાણનુ નામ પણ ખુલ્યુ હતું તેના નિવાસેથી પ્રોપર્ટી દસ્તાવેજો ઉપરાંત વિદેશી ચલણ તથા મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા હતા.

Print