www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખંભાળિયાના જરૂરતમંદ લોકો માટે પોલીસ તંત્ર દ્વારા જનસંપર્ક લોન મેળાનું આયોજન કરાયું: 250 લાભાર્થી


સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 26
ખંભાળિયામાં સામાન્ય વર્ગના તેમજ જરૂરિયાતમંદ લોકો વ્યાજખોરો પાસેથી ઊંચા દરથી રકમ ઉછીની ન મેળવે અને બેંક દ્વારા આવા લોકોને રાહત દરથી લોન મળી રહે તે હેતુથી ખંભાળિયા પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે જન સંપર્ક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના અને ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગઈકાલે મંગળવારે અહીંના ટાઉન હોલ (પોરબંદર રોડ) ખાતે પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોન મેળામાં ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાંથી આશરે 250 જેટલા લાભાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ જનસંપર્ક લોન મેળામાં આ વિસ્તારની જુદી જુદી 10 જેટલી બેંકોના પ્રતિનિધિઓ જોડાયા હતા.

લોન મેળામાં લીડ બેંકના મેનેજર વર્મા તેમજ અન્ય બેંકના પ્રતિનિધિઓ, નગરપાલિકાના હોદ્દેદારો વિગેરેએ ઉપસ્થિત લાભાર્થીઓને લોન પ્રાપ્ત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા આ લોન મેળાનું આયોજન કરવાનો ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકોને સરળતાથી લોન મળી રહે જેથી ખાનગી વ્યાજખોરોના વિષચક્રમાંથી તેઓ બચી શકે તે હોવાનું જણાવી, લોકોને ગેરકાયદેસર વ્યાજખોરો અંગે પોલીસને માહિતી આપવાની અપીલ કરી હતી.

આ લોન મેળામાં 125 જેટલા આસામીઓએ જુદી જુદી બેંકો પાસેથી લોન માટે જરૂરી માહિતી મેળવી અને આ અંગેની પ્રક્રિયા કરી હતી. પોલીસ દ્વારા વ્યાજખોરોના વ્યાજના દૂષણમાંથી લોકોને બચાવવા માટેનો આ અભિગમ લોકોએ આવકાર્યો હતો.

Print