www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થી પર રેગીંગ: ચાર તબીબ છાત્ર સસ્પેન્ડ કરી દેવાયા


700 વખત કેસ પેપર લખવા આપ્યા: ગાળાગાળી અને ત્રાસ: વિભાગના વડાએ ધ્યાન ન દેતા ડીનને ફરિયાદ કરી હતી

સાંજ સમાચાર

અમદાવાદ,તા.25
નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ કોલેજમાં અભ્યાસ કરતા સર્જરી વિભાગના ચાર સિનિયર વિદ્યાર્થીએ પહેલા વર્ષની જુનીયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરતા ચાર તબીબી વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ત્રીજા વર્ષના ચાર વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીને 2 વર્ષ, એક વિદ્યાર્થીને એક વર્ષ અને બાકીને બે વિદ્યાર્થીને 28 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારીના પગલા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, સમગ્ર કેસ એન્ટિરેગિંગ કમિટી સમક્ષ નહીં, પરંતુ કોલેજ કાઉન્સિલ સમક્ષ લઈ જઈને સજા કરવામાં આવી હતી.

શહેરની એલ.જી. હોસ્પિટલમાં આવેલી નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થી દ્વારા કોલેજના જ પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવતું હતું. આ રેગિંગ અંતર્ગત જુનીયર વિદ્યાર્થીઓ સાથે ઉધ્ધતાઈપૂર્વક વર્તન કરવું, ઉતારી પાડવા અને જાહેરમાં ગાળાગાળી કરવી, ખરાબ ભાષાનો પ્રયોગ કરવો જેવી પ્રવૃતિઓ કરવામાં આવતી હતી. આ ઉપરાંત સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓને બે બે કેસ પેપર 700થી 1000 વખત લખવા આપતા હતા. આ પ્રકારની પ્રવૃતિઓ છેલ્લા કેટલાય સમયથી ચાલતી હતી.

જુનિયર વિદ્યાર્થીઓએ સૌથી પહેલ આ મુદે વિભાગના વડાને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓએ ડીનને ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સામાન્ય રીતે આ પ્રકારની પ્રવૃતિ બહાર આવે તો સીધી એન્ટિરેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ કરવામાં આવતી હોય છે. આ કિસ્સામાં એન્ટિ રેગિંગ કમિટીને નહીં, પરંતુ કોલેજ કાઉન્સિલ સમક્ષ કેસ લઈ જવામાં આવ્યો હતો.

કાઉન્સિલ સમક્ષ રેગિંગ કરનારા સર્જરી વિભાગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ, જુનિયર વિદ્યાર્થીઓ તેમના માતા પિતા અને સંબંધિત જવાબદાર વ્યકિતઓની સાથે બેઠક યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સૌથી પહેલી ફરિયાદ વડાને કરી હોવાથી તેમને પણ બોલાવવામાં આવ્યા હતા. જુનિયર વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પુરાવાઓ અને ફરિયાદની સુનાવણી કર્યા બાદ ચાર સિનિયર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વ્રજ વાધાણીને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ જ રીતે શીવાની પટેલને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત અન્ય બે સિનિયર અધ્યાપકોમાં કરણ પરેજીયિ અને અનેરી નાયકને 28 દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

બે વિદ્યાર્થીને ઓછી સજા અંગે કોલેજ સતાવાળાઓ કહે છે કે, રેગિંગમાં બે વિદ્યાર્થીની જવાબદારી ઓછી હોવાથી તેમને માત્ર 28 દિવસની સજા કરવામાં આવી હતી. વાલીઓ અને કોલેજ સતાધીશોની બેઠકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆત અને ગંભીર સજા ન કરવા માટે કરાયેલી વિનંતીને માન્ય રાખીને નેશનલ મેડીકલ કમિશનને જાણ કરવાનું મુલત્વી રાખીને કોલેજ કાઉન્સિલ અને હેરેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જ સજા કરવામાં આવી હતી.

વાલીઓની રજૂઆતથી હળવી સજા
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના સત્તાધીશો કહે છે કે, પહેલા તબકકે તમામ વિદ્યાર્થીઓને કોલેજમાંથી દૂર કરવાનું નકકી કરાયું હતું. આ ઉપરાંત એન્ટિ રેગિંગ કમિટી અને નેશનલ મેડિકલ કમિશનને ફરિયાદ કરીને કડક સજા કરવાનું નકકી હતું, પરંતુ વાલીઓ અને સિનિયર-જુનીયર વિદ્યાર્થીઓ વચ્ચેની બેંક બાદ વાલીઓએ પહેલી વખત આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓની કારકીર્દી ન બગડે તે માટે રજૂઆત કરાઈ હતી.

જેને માન્ય રાખીને સર્જરી વિભાગના ચાર સિનિયર વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓ બે અને એક વર્ષ માટે અને બાકીના બે વિદ્યાર્થીને માત્ર 28 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

 

Print