www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

RAJKOT : માર્કેટયાર્ડ, કંદોઇ બજાર, વાવડી, નાનામવા રોડની મસાલા બજારોમાં દરોડા ચાલુ


મોરબી રોડ, કુવાડવા રોડ સુધી ફૂડ શાખાના રાઉન્ડ : વધુ 26 નમુના લેબોરેટરીમાં મોકલાયા : વજનમાં વેંચાતા ઉપરાંત કંપનીના પેકડ માલનું પણ પરીક્ષણ ચાલુ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 9
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મસાલાની સિઝનને અનુલક્ષીને જુદા જુદા વિસ્તારમાં ભરાતી મસાલા માર્કેટ અને બજારો, હાઇવે ઉપર આવેલ જુદી જુદી મસાલા સાથેની મીલ, જુના માર્કેટ યાર્ડમાં દરોડાનો દૌર ચાલુ રાખવામાં આવ્યો છે. તેમાં  થોડા દિવસોમાં વધુ 26 સેમ્પલ લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. 

બ્રાન્ડેડ અને છુટક વજનમાં વેંચાતા લુઝ મસાલાના સેમ્પલ લઇને લેબોરેટરી રવાના થઇ રહ્યા છે જેમાં હળદર, ધાણા, મરચુ, હિંગ સહિતના મસાલાનો સમાવેશ થાય છે. સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત જુદા જુદા વિસ્તાર અને માર્કેટ યાર્ડની પેઢીઓમાંથી 26 સેમ્પલ લેવાયા છે તેમાં જુના માર્કેટીંગ યાર્ડમાં આવેલ શુભમ ટ્રેડર્સમાંથી વન્ડર કાશ્મીરી મરચુ, રાજા રાની ચીલી પાવડર, જતીપુરા એન્ટરપ્રાઇઝમાંથી  મધર કેર હળદર અને મધર કેર મરચુ, એચ.કે. એન્ડ કંપનીમાંથી ડબલ હાથી મરચુ અને ડબલ હાથી હળદર પાવડરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 

નાના મવા રોડ પર આવેલી શ્રી રામ મસાલા માર્કેટમાં આવેલ જલારામ મસાલા ભંડારમાંથી ધાણા પાવડર, મરચા પાવડર, ઓમ નારાયણ મસાલામાંથી હંસ મોતી હિંગ, સંત દેવીદાસ મસાલા ભંડારમાંથી હળદર અને જીરૂ, બાપા સીતારામ મસાલા ભંડારમાંથી મરચુ અને હળદરના સેમ્પલ લેવાયા હતા. જયારે લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે આવેલ જય જલિયાણ મસાલા ભંડારમાંથી પણ ધાણા અને  જીરૂના નમુના લેવાયા હતા. 

જુના રાજકોટના પરાબજારમાં આવેલ કંદોઇ બજારમાં ઠા.ભરતકુમાર મગનલાલ જીવરાજાનીની પેઢીમાંથી મરચુ, હળદર અને ધાણાજીરૂના નમુના લેવાયા હતા. ગોંડલ રોડ પર વાવડીમાં અમૃતલાલ એન્ડ સન્સમાંથી મરચા, હળદર અને ધાણાજીરૂ પાવડરનું સેમ્પલીંગ કરવામાં આવ્યું હતું. 

જુના મોરબી રોડ પર જકાત નાકા પાસે આવેલ જય જલારામ જનરલ સ્ટોરમાંથી હાથી છાપ હળદર, હાથી મરચુ, શ્રીજી જનરલ સ્ટોરમાંથી સત્વમ હળદર, સત્વમ મરચુ અને કુવાડવા રોડ પર સોમનાથ સોસાયટીમાં આવેલ બાદશાહ  હળદર પાવડરના નમુના લઇને તે પણ લેબમાં મોકલાયા છે. 

છેલ્લા પખવાડીયાથી મહાપાલિકા મસાલા બજારમાં દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં 70 થી 80 જેટલા સેમ્પલ લેબમાં મોકલાયા હોય, આ વર્ષે ચાલુ સીઝનમાં જ મસાલાની ગુણવતા અંગેના રીપોર્ટ આવે તેવી આશા છે.

ઘીમાં હળદર-કૃત્રિમ ફેટની ભેળસેળ : બે નમુના ફેઇલ
રણછોડનગરના મહેશ કુંજ અને મવડી પ્લોટની ક્રિષ્ના ડેરી સામે દંડ માટેનો કેસ મૂકવા આરોગ્ય વિભાગ દ્વારા તજવીજ
રાજકોટ, તા. 9

મનપા દ્વારા થોડા સમય પહેલા જુદી જુદી બે ડેરીમાંથી લેવામાં આવેલા ઘીના નમુનામાં હળદર અને કૃત્રિમ ફેટની ભેળસેળ જોવા મળતા બંને સેમ્પલ ફેઇલ ગયા છે. 
આજે ફૂડ વિભાગે જાહેર કરેલી વિગત મુજબ મહેશ કુંજ, રણછોડનગર -5 કોર્નર, વેકરીયા રોડ પરથી લેવામાં આવેલ ‘શુધ્ધ ઘી(લુઝ)’નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ), તીલ ઓઇલ તથા હળદરની હાજરી મળી આવતા  સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. 

આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ‘ક્રિષ્ના ડેરી ફાર્મ’, અંકુરનગર મે. રોડ, મવડી પ્લોટ ખાતેથી માલવિયા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલ ‘ઘી’ના  જથ્થામાંથી લેવામાં આવેલ શુધ્ધ ઘી લુઝના ખાદ્યચીજ ‘શુધ્ધ ઘી(લુઝ)’ નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં પણ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા હળદરની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. આ અંગે બંને પેઢી સામે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

બીજી તરફ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્રી લક્ષ્મી રેસ્ટોરેન્ટ, રામાપીર ચોકડી ખાતે તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ પ્રિપેર્ડ ફૂડ વાસી અખાદ્ય જણાતા કુલ 6 કિલો જથ્થો સ્થળ પર નાશ કરી સ્ટોરેજ અને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ છે.

Print