www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ : કાલાવડ રોડ પરના TRB ગેમ ઝોનમાં વિકરાળ આગ ભભૂકી : 25ના મોત


■ જ્યાં એન્ટ્રી હતી ત્યાં જ બહારના ભાગે રહેલ એસીનું કમ્પ્રેશનમાં તાપના કારણે બ્લાસ્ટ થતા આગ લાગ્યાનું તારણ : સંચાલક પણ આગમાં મૃત્યુ પામ્યાની માહિતી : મૃતકોમાં 8 વર્ષના બાળકથી લઈ 40 વર્ષના વ્યક્તિ ■ મૃતકો બળીને ભડથું થયા : મૃતકો અને ઇજાગ્રસ્ત લોકો સંપર્ક કરી શકે તે માટે પોલીસે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યાં

સાંજ સમાચાર

રાજકોટ, તા.25 રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે આવેલ TRB ગેમ ઝોનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. સાંજે 5.15 વાગ્યા આસપાસ આગ લાગી હતી જેમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જ્યાં એન્ટ્રી હતી ત્યાં જ બહારના ભાગે રહેલ એસીનું કમ્પ્રેશનમાં તાપના કારણે બ્લાસ્ટ થતા આગ લાગ્યાનું તારણ છે. સૂત્રોએ માહિતી આપી હતી કે, આગ લાગી ત્યારે પ્રકાશભાઈ નામના વ્યક્તિ જે આ ગેમ ઝોનના સંચાલક હતા તે પણ આગમાં મૃત્યુ પામ્યાની માહિતી મળી છે. મૃતકોમાં 8 વર્ષના બાળકથી લઈ 40 વર્ષના વ્યક્તિ છે. બનાવ બનતા ફાયર બ્રિગેડ દોડી ગયું હતું. પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયત્ન કર્યો હતો. જોકે લાંબા સમયે આગ મહદ અંશે કાબુમાં આવ્યા બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા. હજુ પણ ધુમાડા નીકળતા હોય આગ બુઝાવવા ફાયર ફાઈટરના ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. નડતર રૂપ દીવાલો જેસીબીથી પાડવામાં આવી રહી છે. મૃત્યુ પામેલાઓમાં 12 બાળકો હોવાનું જાણવા .લે છે. મૃતદેહો પુરી રીતે દાઝી ગયા હોય, ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. વહીવટીતંત્રનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગના સમયે ગેમ ઝોનમાં કેટલા લોકો હાજર હતા તે અંગે વહીવટીતંત્ર હજુ સુધી કહી શક્યું નથી. પણ આશરે 70 લોકો અંદર હતા તેવું જાણવા મળે છે. આશરે 25 લોકોનો બચાવ થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આગમાં સમગ્ર ગેમઝોન બળીને ખાખ થઈ ગયું છે. ઘટનાસ્થળે હાજર વ્યક્તિના જણાવ્યા મુજબ, તેઓ રેસ્ટોરન્ટમાં બેઠા હતા. ત્યારબાદ ત્યાં આગ ફાટી નીકળી હતી. આગ 10 સેકન્ડમાં સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. હાજર સ્ટાફે અગ્નિશામક સાધનો વડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો અને લોકો જીવ બચાવવા બહાર દોડવા લાગ્યા હતા. ■ 30 સેકન્ડમાં આગ સમગ્ર ગેમઝોનમાં ફેલાઈ ગઈ માત્ર 30 સેકન્ડમાં આગ સમગ્ર ગેમઝોનમાં ફેલાઈ ગઈ હતી. પેટ્રોલ અને ડીઝલના ડબ્બા પણ હતા, જેને લોકોએ હટાવવાનું શરૂ કર્યું. ગેસ સિલિન્ડર પણ પાછળ રાખવામાં આવ્યા હતા. આ ડોમ બે માળનું હતું. ■ મુખ્યમંત્રીએ તત્કાલ માહિતી લીધી અને બચાવ કાર્ય તેજ કરવા સૂચના આપેલી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી જણાવ્યું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે. ■ પૂર્વ મુખ્યમંત્રીએ વીડિયો કોલથી ઘટના સ્થળની જાણકારી મેળવી પૂર્વ મુખ્યમંત્રીએ વીડિયો કોલથી ઘટના સ્થળની જાણકારી મેળવી હતી. તેઓએ તંત્રના અધિકારીઓ સાથે પણ વાત કરી માહિતી મેળવી હતી. ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ માહિતી મેળવી દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સિવાય ધારાસભ્યો, દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા વગેરે પણ દોડી આવ્યા હતા. આ ઉપર શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિતના આગેવાનો પણ દોડી આવેલા. ■ તપાસ કમિટીની રચના થઈ સ્થળ પર કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સહિતના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, આ બનાવ અંગે તપાસ કમિટીની રચના થઈ છે. આજરોજ ગેમ ઝોન ફાયર દુર્ઘટના સંદર્ભે પુછપરછ માટે સિવિલ હોસ્પિટલ આવતા લોકોને કોઈ પણ માહિતીની જરૂર હોય તો એસીપી વી.જી. પટેલ (9978913796) અને પીઆઈ બી.એમ. ઝણકાટ (7698983267)નો સંપર્ક કરવા જણાવાયું છે.

Print