www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ નાગરિક બેંક સાથે કરોડોની છેતરપીંડી: સત્તાધીશો પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે


મહારાષ્ટ્રની કાલબાદેવી શાખામાંથી 25 જેટલી લોન આપવામાં કોનું હિત?: લોન ખાતાના લાભાર્થીઓના નામ, એકા. નંબર સહિતની માહિતી જાહેર કરવા નાગરિક બેંક બચાવો સંઘની તૈયારી

સાંજ સમાચાર

રાજકોટ, તા.25
નાના માણસોની મોટી બેંક ગણાતી રાજકોટ નાગરિક બેંક દ્વારા મહારાષ્ટ્રની કાલબાદેવી શાખામાં 25 લોન આપવામાં બેંક સાથે છેતરપીંડી કરવામાં આવી છે. બેંક બચાવો સંઘ દ્વારા આ પાંચ કરોડના કૌભાંડ અંગેના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.

જો નાગરિક બેંકના સત્તાધીશો આ બાબતે જવાબદારો સામે કાયદેસર પગલાં ન ભરે તો દસ્તાવેજી પુરાવા સાથે વિગતવાર પર્દાફાશ કરવામાં આવશે. તેમજ જરૂર પડ્યે બેંક બચાવો સંઘ દ્વારા જ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ સંગઠનના ક્ધવીનર ચંદુભા પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઇ ડોડીયા, અપના બજારના પૂર્વ ચેરમેન બાલુભાઇ શેઠ, યુવા અગ્રણી મનીષ ભટ્ટએ એક નિવેદનમાં જણાવ્યું છે.

તેઓએ જણાવેલ છે કે અમે જ્યારે આ અંગે પ્રાથમિક માહિતી જાહેર કરી ત્યારે તેનો વિગતવાર સચોટ જવાબ આપવાને બદલે રીઝર્વ બેંકે નાગરિક બેંકને ક્લીનચીટ આપી હોવાનો ખોટો બચાવ બેંક દ્વારા કરવામાં આવેલ છે. રીઝર્વ બેંકે આ બાબતે બેંકને પ્રમાણપત્ર આપ્યું છે. તે બેંકના શાસકો અધિકૃત રીતે જાહેર કરે તેવો અમારો ખુલ્લો પડકાર છે.

અમારી પાસેની પ્રાપ્ત માહિતી મુજબ નાગરિક બેંકની મુંબઇ સ્થિત કાલબાદેવી શાખા દ્વારા 25 જેટલી લોનમાં બેંક સાથે છેતરપીંડી કરવામાં આવી છે. લોનના અરજદારની લોન પરત કરવાની આર્થિક ક્ષમતાના ધારાધોરણો લોન આપવામાં જાળવવામાં આવ્યા નથી.

મોટા ભાગના કિસ્સામાં લોન માટે બેંકમાં અરજદારે ગીરવે મુકેલ મીલ્કતની વાસ્તવિક કિંમત કરતાં 3 ગણી કિંમત આંકવામાં આવી છે. લોન લેનાર લાભાર્થીના ખાતામાં લોન આપનાર અધિકારીના ખાતામાં અઢળક આર્થિક વ્યવહારો થયા હોવાનું બેંકના ઇન્વેસ્ટીંગેશન રીપોર્ટમાં શોધી કાઢવામાં આવ્યું છે.

આ ગંભીર કૃત્યમાં બેંકના વેલ્યુઅરની ભુલ હોય તેવું માનવાને કોઇ કારણ નથી. બેંકના અધિકારી હેમાંગ ઢેબર તથા તેજસ મહેતાએ આપેલો અહેવાલ ખૂબ ગંભીર અને ચોંકાવનારો છે. જેમાં લોન આપવામાં નીતિ-નિયમોને ઘોળીને પી જવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. જો બેંકના શાસકો સત્ય છુપાવવા ન માંગતા હોય તો તપાસનીસ અધિકારીઓના આ અહેવાલની નકલ મીડીયા (અખબારો અને ચેનલો) સમક્ષ રજુ કરે તેવી અમારી માંગણી છે.

મુંબઇ સ્થિત કાલબાદેવી શાખાના 25 ખાતામાં થયેલી છેતરપીંડી, લોનના લાભાર્થીઓના નામ સહિત છેતરપીંડીના વર્ણન સાથે જાહેર કરવા અમારી તૈયારી છે. અમે માત્ર બેંકના હિત માટે સ્વ. અરવિંદભાઇ મણીયાર, સ્વ. લાલજીભાઇ રાજદેવ, વજુભાઇ વાળા, સ્વ. ચંદ્રકાંત પાવાગઢી સહિતના અનેક સહકારી અગ્રણીઓએ અથાગ પરિશ્રમ કરી આ બેંકને ઉચ્ચ સ્થાને લઇ જવા માટે નિષ્ઠાપૂર્વક પસીનો વહાવીને પ્રયાસ કરેલ છે તેને ડાઘ લાગવા દેવા માંગતા નથી.

આ સત્ય ઉજાગર કરવા માટેની લડાઇ છે બેંક સાથે છેતરપીંડી કરનારને યોગ્ય સજા કરાવવાની લડાઇ છે. બેંકની ચિંતા કરનારા નાગરિક બેંક પરિવારના જ સભ્યો છીએ અને બેંકના હિત માટે બેંકને થતું નુકશાન અટકાવવા માટે અને લાખો નાના ડીપોઝીટરના નાણાંની સુરક્ષા માટે આ અભિયાન શરુ કરેલ છે તેમ તેઓએ જણાવેલ છે.

Print