www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૈયા રોડ પર ફૂડના 20 ધંધાર્થીને ત્યાં તપાસ : ડઝન આસામીને લાયસન્સ લેવા નોટીસ

RAJKOT : કોલેરા ફેલાવી શકે એવા પાણીપુરીના પાણીનું સેમ્પલીંગ શરૂ : હોકર્સ ઝોનમાં ડ્રાઇવ


ચોમાસામાં મનપાએ ઘરની જગ્યામાંથી જ શરૂઆત કરી : ખાણીપીણી બજારમાંથી બટર, વડા, પનીર, મરચુ, આઇસ્ક્રીમ સહિતના 8 નમુના લેતો ફૂડ વિભાગ

સાંજ સમાચાર

રાજકોટ, તા.28
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં કોલેરાના બહાર આવેલા કેસ અને ચાર  વ્યકિતના મૃત્યુની ઘટનાથી સમગ્ર જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડાદોડીમાં પડયું છે ત્યારે રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાવે તેવી ખાણીપીણીનું વેચાણ રોકવા ફૂડ વિભાગે સઘન ડ્રાઇવ ચાલુ કરી છે.

ઝાડા-ઉલ્ટીથી માંડી કોલેરા સહિતનો રોગચાળો ફેલાવી શકે તેવી યાદીમાં આવતા પાણીપુરીના પાણીની ચકાસણી કરવાની કાર્યવાહી ફૂડ શાખાએ શરૂ કરી છે અને આ પાણી સહિતના કુલ આઠ નમુના લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલ્યા છે. 

ભુતકાળમાં પાણીપુરીનું પાણી આરોગ્ય માટે જોખમી હોવાનું ખુદ રાજય સરકાર કહી ચૂકી છે અને ત્યારે પાણી પુરી ન ખાવા પણ અપીલ કરી હતી. હવે રાજકોટ જિલ્લામાં જ કોલેરાના કેસ  નોંધાતા શહેરમાં આરોગ્ય વિભાગ વધુ દોડતો થયો છે. 

નમુનાની કામગીરી અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે કાલાવડ રોડ પર એ.જી.ચોકમાં આવેલા   હોકર્સ ઝોનમાં આવેલી દિલખુશ પાણીપુરી અને શ્રીનાથજી ભેળ પાણીપુરીમાંથી પાણીના નમુના લેવામાં આવ્યા હતા. આ પાણીની ગુણવત્તા અને તેમાં ઉમેરવામાં આવતા મસાલા સહિતની વસ્તુનો લેબોરેટરી રીપોર્ટ કરાવવામાં આવશે. 

આ રીતે અન્ય વિસ્તારોમાંથી પણ પાણીના નમુના લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત આ જ હોકર્સ ઝોનમાં આવેલ શુભમ સેન્ડવીચ અને જિલાની વડાપાઉંમાંથી લુઝ બટરના સેમ્પલ લેવાયા છે. આ દુકાનમાંથી  બટેટાના વડાના સેમ્પલ પણ લેવાયા હતા. 

મનપાના આ જ હોકર્સ ઝોનમાં આવેલા જયશ્રી રામ ચાઇનીઝ પંજાબીમાંથી લુઝ પનીર, પટેલ ચાઇનીઝ પંજાબીમાંથી લાલ મરચુ અને ભેરૂનાથ કસાટા આઇસ્ક્રીમમાંથી લુઝ આઇસ્ક્રીમનો નમુનો પણ લઇ પરીક્ષણમાં મોકલવામાં આવ્યો છે. 

રૈયા રોડ પર ચેકીંગ
ફૂડ વિભાગની ટીમે સેફટી વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના રૈયા ચોકડીથી રૈયા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓને ત્યાં ખાણીપીણીના 19 નમુનાની સ્થળ પર ચકાસણી કરી હતી. જયારે 1ર ધંધાર્થીને લાયસન્સ માટે નોટીસ આપી હતી. 

જેઓને નોટીસ અપાઇ છે તેમાં (1)રવિ પાર્સલ પોઈન્ટ (2)ગંગોત્રી ડેરી ફાર્મ (3)બાલાજી ફાસ્ટફૂડ (4)બંસી પૂરીશાક (5)સાંઇ ચાઇનીઝ પંજાબી (6)જય ગોપાલ ઘૂઘરા (7) શિવમ મદ્રાસ કાફે (8)રવિરાંદલ દાળપકવાન (9)રેવડી મદ્રાસ કાફે (10)આત્મીય તેલ (11)ખોડિયાર રેસ્ટોરેન્ટ (12)બાલાજી નાસ્તાગૃહનો સમાવેશ થાય છે. 

ઉપરાંત 13) કૃષ્ણમ નાસ્તા હાઉસ (14)જનતા ડેરી ફાર્મ (15) મારૂતિ આઇસ્ક્રીમ (16)અતુલ આઇસ્ક્રીમ (17)યુનિટી મિલ્ક (18)રાધે ડેરી ફાર્મ (19)જોકર ગાંઠિયા (20)બાલાજી ફરસાણમાં પણ તપાસ કરવામાં આવી હતી.

દૂધની ડેરીમાં આવતા ટેન્કરો રોકીને  15 નમુના લેતો કોર્પો.નો ફૂડ વિભાગ
બહારથી આવતા દૂધમાં પાણી સહિતની મિલાવટ રોકવા ચેકીંગ ડ્રાઇવ
રાજકોટ, તા. 28

મ્યુનિ. કોર્પોરેશનની ફુડ શાખાએ રાજય સરકારની સૂચનાથી દૂધની ગુણવત્તા ચકાસવા નમુના લેવાની કામગીરી ચાલુ રાખી છે. જેમાં દૂધની ડેરીમાં આવતા ટેન્કરોની ચકાસણી કરવામાં આવી છે.

શહેરના દૂધસાગર રોડ પર સહકારી સંસ્થા રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓ.મિલ્ક પ્રોડયુસર યુનિયન લીમીટેડ (દૂધની ડેરી) આવેલી છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાંથી અહીં ગામડેથી દૂધના ટેન્કર પહોંચે છે. બહારથી આવતા દૂધની ગુણવત્તા કેવી છે તે ચકાસણી કરતા રહેવાની સૂચના રાજય સરકારની છે. તેના ભાગરૂપે ગઇકાલે દૂધ સપ્લાયરોના અલગ અલગ ટેન્કરોમાંથી કુલ 15 નમુના લઇને સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. 

શહેરમાં અવારનવાર દૂધની ખાનગી ડેરી ફાર્મ, મીઠાઇની દુકાન સહિતની જગ્યાએથી પણ દૂધના નમુના લઇને ચકાસણી કરવામાં આવે છે તે ઉલ્લેખનીય છે. અગાઉ જુનાગઢ તરફથી આવતા દૂધમાં પાણી અને યુરીયાની મિલાવટ થતી હોવાનું બહાર આવ્યું હતું તે પણ ઉલ્લેખનીય છે. 

Print