www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શરમ કરો: દર્દીની સુવિધા ન જાળવી, હવે ભીંસ પડતા મહાકાય કુલરો મંગાવ્યા


શું અવારનવાર સરપ્રાઇઝ વિઝીટના નામે ફોટો શૂટ કરાવતા સુપ્રિન્ટેન્ડન્ટને દર્દીઓ ઘરેથી પંખા-મીની કુલર ઘરેથી લાવ્યા તે નજરે ન પડ્યું?

સાંજ સમાચાર

►રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રને ગરમીમાં બફાતા દર્દીઓ નજરે જ ન આવ્યા, મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા તંત્ર દોડતું થયું

રાજકોટ, તા.25

રાજ્યમાં હિટ વેવ પ્રસરી ગઈ છે. સરકારે એલર્ટ આપ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રએ હિટ વેવ માટે અલાયદો વોર્ડ ઉભો કર્યો છે. પણ આ જ રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રને ગરમીમાં બફાતા દર્દીઓ નઝરે જ આવ્યા નહોતા. જોકે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા તંત્ર દોડતું થયું છે. તંત્રના વાહકો માટે શરમ જનક વાત છેકે પહેલા દર્દીઓની સુવિધા ન જાળવી અને હવે ભીંસ પડતા મહાકાય કુલરો મંગાવ્યા હતા. અહીં સવાલ એ પણ ઉભો થાય છે કે, શું અવારનવાર સરપ્રાઇઝ વિઝીટના નામે ફોટો શૂટ કરાવતા સુપ્રિન્ટેન્ડન્ટને દર્દીઓ ઘરેથી પંખા-મીની કુલર ઘરેથી લાવ્યા તે નજરે નહીં પડ્યું હોય? પોતાની ચેમ્બર ત્રણ - ત્રણ એસી રાખતા સુપ્રિન્ટેન્ડન્ટને સામાન્ય વોર્ડમાં દાખલ દર્દી નારાયણો વિશે ચિંતા નહીં થઈ હોય? 

રાજકોટ સિવિલ હોસ્પિટલ હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમકક્ષ થઈ ગઈ છે. તેવો દાવો સુપ્રિન્ટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદીએ કર્યો હતો. જોકે હાલ જે ચિત્ર દેખાય છે તે જુદું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોથી જાણીતી છે. અહીં ચાલતી લોલમલોલ અને અવારનવાર પ્રસિદ્ધ થતા અહેવાલો સ્થિતિ અંગે સવાલો ઉભા કરે છે. રાજકોટમાં ગરમીનો પારો 44 ડીગ્રી આસપાસ પહોંચે છે. તંત્ર જ લોકોને સાવચેત રહેવા કહે છે. જોકે રાજકોટ સિવિલ હોસ્પિટલના સામાન્ય ઓપીડી વિભાગમાં દાખલ દર્દીઓ અંગે કોઈને ચિંતા નથી. અહીં વોર્ડમાં દાખલ દર્દીઓ કહીં રહ્યા છે કે, 10 બેડ દીઠ બે પંખા છે.

આવી ગરમીમાં આ કઈ રીતે ચાલે? જેથી તેઓ ઘરેથી કે ખરીદીને પંખા કે કુલર લાવ્યા છે. ઓફિસ ઓફિસમાં બેઠેલા અધિકારીઓને આ વાતની જાણ નથી હોતી એવું માનવને કોઈ કારણ નથી. આ અધિકારીઓ બધું જાણતા હોય પણ, સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના દર્દીઓ સારવાર મેળવે છે. આ વર્ગ પાસે કોઈ ભલામણ નથી હોતી, જેથી તેની સુવિધામાં ગંભીરતા ન દાખવાય તો ચાલે તેવી તંત્રના વાહકો માન્યતા હોય તેમ લાગે છે. 

દર્દીઓને ઘરેથી પંખા-કુલર લાવવા પડે છે. તેવા અહેવાલો મીડિયામાં પ્રસારિત થતા જ તંત્રમાં હડકંપ મચી ગયો. વાત ગાંધીનગર સુધી પહોંચી ગઈ. સચિવો, કમિશનરો, કલેકટર સહિતના અધિકારીઓએ તત્કાલ પગલા લેવા સૂચનો કર્યા હોવાનું જાણવા મળે છે. જેથી સિવિલ હોસ્પિટલમાં ટ્રક સહિતના વાહનોમાં ભરાઈને મહાકાય કુલરો આજે બપોરે આવ્યા હતા. આ મહાકાય કુલરો હવે દર્દીઓને વોર્ડમાં મુકાશે. આ તો હંગામી સુવિધા થઈ, દર્દીઓ 
માટે કાયમી આ પ્રશ્નનો ઉકેલ આવે તે જરૂરી છે.

Print